• અસામાજિક તત્વોએ અટકચાળો કર્યો

  • મંજુસરમાં સ્થિતિ તણાવપૂર્ણ
  • પોલીસે ઘટનાસ્થળે દોડી મામલો કાબૂમાં લીધો

10 દિવસની ભરપૂર ભક્તિ આરાધના પછી આજે અનંત ચતુર્દશીએ બાપ્પાને વિદાય દેવાનો સમય આવી ગયો છે. ગુજરાતમાં અનેક જગ્યાએ ઢોલનગારાં અને ડીજેના તાલે શ્રીજીને ભાવભીની વિદાય આપવામાં આવી હતી. જો કે આ દરમિયાન સાવલીના મંજુસરમાં ગણેશ વિસર્જન યાત્રા પર પથ્થરમારો થયો હોવાની ઘટના સામે આવી છે.

જાણકારી પ્રમાણે સાવલીના મંજુસરમાં આજે ગણેશ મહોત્સવનો અંતિમ દિવસ હોવાથી શ્રીજીની વિસર્જન યાત્રા યોજાઈ હતી. શાંતિ અને ઉલ્લાસ સાથે આ યાત્રા ચાલુ હતી ત્યારે જ એક ન બનવા જેવી ઘટના બનવા પામી હતી. ગણેશજીની યાત્રા પર અમુક અસામાજિક તત્વો દ્વારા પથ્થરમારો કરવામાં આવ્યો હતો. જેમાં ગણેશજીની મૂર્તિને નુકસાન થયું હતું.

ગણપતિ વિસર્જન યાત્રા દરમિયાન બે જૂથ વચ્ચે પથ્થરમારાની આ ઘટનાથી વાતાવરણમાં તંગદીલી ફેલાઇ ગઇ. આ ઘટનાને પગલે મંજુસર પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ. એક સમયે મંજુસર ગામે અજંપાભરી સ્થિતિ જોવા મળી હતી. જિલ્લા પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને મામલો થાળે પાડ્યો હતો. હાલ મંજુસર ગામમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે. સામસામે પત્થરમારાની ઘટનામાં અનેક લોકો ઈજાગ્રસ્ત થયા છે. વિસર્જન યાત્રામાં સામેલ લોકોને ઇજાઓ પહોંચી છે. ઇજાગ્રસ્ત લોકોની સારવાર શરૂ કરાઇ છે. મંજુસર હાલ પોલીસ છાવણીમાં ફેરવાયું છે.

આ મામલે જો કે પછીથી જિલ્લા પોલીસવડાના માર્ગદર્શન નીચે વિસર્જન યાત્રાને ચાલુ રાખવામાં આવી. ગ્રામજનોએ આ ઘટનાના વિરોધમા મંજુસર ગ્રામ પંચાયત પાસેના ચોકમાં રામધૂન બોલાવી હતી અને જય શ્રી રામના નારા લગાવ્યા હતા.

મહત્વનું છે કે મંજુસરના વાઘેલા ફળિયા વિસ્તારમાં બે જૂથમાં પથ્થર મારો થયો છે. આ ઘટનાથી સ્થિતિ ઘણી તણાવપૂર્ણ થઈ જવા પામી હતી. ઘટનાના પગલે ધારાસભ્ય કેતન ઇમાનદારે કહ્યું કે, શાંતિ ડહોળનાર કોઈ તત્વોને છોડવામાં નહી આવે. અમુક અસામાજિક તત્વો શાંતિ ડહોળવાનો પ્રયાસ કરે છે. ઈરાદાપૂર્વક પર પથ્થરમારો કરાયો છે. આ ઘટનામાં કોઈ પણ દોષિતોને છોડવામાં નહીં આવે.જવાબદારો સામે દાખલો બેસાડવાની કાર્યવાહી કરાશે. 

  • Follow us on: