દેશમાં વધી રહેલા સાયબર ફ્રોડના કેસમાં લોકો લાખો રૂપિયા ગુમાવી રહ્યાં છે. ત્યારે જામનગરમાં સાઈબર ક્રાઈમ પોલીસ સ્ટેશને ખૂબ જ અસરકારક કામગીરી કરી છે. જિલ્લા ભરના ૬૦થી વધુ નાગરિકોની છેલ્લા ત્રણ મહિના દરમિયાનની ઓનલાઈન બેન્કિંગ ફ્રોડ માં ગયેલી ૧ કરોડ ૨૧ લાખની રકમ અદાલતના હુકમના આધારે પરત મેળવીને જે તે આસામીના ખાતામાં જમા કરાવી દીધી છે.
પોલીસે લોકોને ગુમાવેલા નાણા પરત અપાવ્યા
રાજકોટ વિભાગના પોલીસ મહા નિરીક્ષક અશોક કુમાર યાદવ તથા જામનગરના જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલૂ તથા જામ શહેરના નાયબ પો.અધિ.જયવિરસિંહ ઝાલા વગેરેએ સાયબર ક્રાઇમના ભોગ બનનાર નાગરિકોને તાત્કાલિક મદદરૂપ થવા અને તેમનાં ગુમાવેલાં નાણાં પરત અપાવવા માટે સતત પ્રયત્નશીલ રહેવા પો.ઈન્સ.આઇ.એ.ઘાસુરાને માર્ગદર્શન હેઠળ સૂચના આપી હતી.
કોર્ટના હૂકમથી અરજદારોને રકમ પરત મળી
જેના આધારે સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન જામનગરની ટીમ દ્વારા છેલ્લા ત્રણ માસ દરમિયાન સાયબર ક્રાઇમ નો ભોગ બનેલા ૬૦ થી વધુ અરજદારોનો સંપર્ક સાધી તેઓની બેંકની જરૂરી માહિતીઓ મંગાવી ફ્રોડમાં ગયેલા નાણા પરત મેળવવા સામેવાળાનાઓના બેન્ક એકાઉન્ટ ની માહિતીઓ મંગાવી છેતરપિંડીમાં ગયેલા રૂપિયા પરત મળી રહેતે માટે અદાલતના હુકમ મેળવી જામનગરના અરજદારોને રૂ.૧,૨૧,૨૨,૪૦૨/-પરત કરાવ્યા છે.
રોકણ કરવા જેવી સ્કીમથી દૂર રહેવા અપીલ
બીજી તરફ સાયબર ક્રાઇમની આ કામગીરીથી ભોગ બનનારા પરિવારમાં ખુશી વ્યાપી છે અને તેમણે સંદેશ ન્યૂઝ સમક્ષ તે કેવી રીતે સાયબર ક્રાઇમનો શિકાર બન્યા અને તેને પોલીસ દ્વારા કેવી મદદ મળી તેની આપવીતી જણાવી હતી.આ તરફ પોલીસ દ્વારા જામનગરની જનતાને સોશ્યલ મીડિયા મારફત રૂપિયા કમાવવાની લાલચમાં કે વધુ રૂપિયા આપી રોકણ કરવા જેવી સ્કીમથી દૂર રહેવા અને લોકોને સતર્ક રહેવા અપીલ કરી છે.