• તાત્કાલિક અસરથી લીકર સેવન ઉપર રોક લગાવવા માંગ
  • ગાંધીના ગુજરાતમાં લીકર પરમીટ અયોગ્ય:ઉમેશ મકવાણા
  • ધારાસભ્યએ નિર્ણયનો વિરોધ નોંધાવ્યો

હાલમાં ગાંધીનગર ગિફ્ટ સિટીમાં સૌથી મોટી છૂટ આપવામાં આવી છે. જેના મુદ્દે ઘણી ચર્ચા ચાલી રહી છે. રાજ્ય સરકાર દ્વારા ગાંધીનગરના ગિફ્ટ સિટીમાં વાઇન એન્ડ ડાઇન સુવિધાના પ્રોહિબિશનના નિયમોમાં ફેરફાર કરવાનો નિર્ણય કરાયો છે. આ વચ્ચે વિવિધ સ્થાનો પર વિરોધ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે. ત્યારે બોટાદના ધારાસભ્યએ આ નિર્ણયનો વિરોધ નોંધાવ્યો છે.

ગાંધીનગરમાં લીકર સેવન ઉપર તાત્કાલિક રોક લગાવવા માટેની માંગ

બોટાદ ધારાસભ્યશ્રી ઉમેશભાઈ મકવાણા દ્વારા હાલમાં ગુજરાત સરકાર દ્વારા ગિફ્ટસીટી ગાંધીનગર ખાતે દારૂની છૂટ આપવામાં આવતા તાત્કાલિક અસરથી ગાંધીનગરમાં લીકર સેવન ઉપર તાત્કાલિક રોક લગાવવા માટે મુખ્યમંત્રીશ્રીને પત્ર લખ્યો હોવાની વાત સામે આવી છે.


શું છે ધારાસભ્યની ફરિયાદ

બોટાદ ધારાસભ્ય ઉમેશભાઈ મકવાણા દ્વારા જણાવવામાં આવ્યું કે ગાંધીના આ ગુજરાતમાં ગિફ્ટ સીટી ગાંધીનગર ખાતે અધિકૃત રીતે કામ કરતા કર્મચારી/અધિકારી તેમજ ગીફ્ટ સીટી ખાતે અધિકૃત રીતે મુલાકાત લેતા મુલાકાતીઓને લીકરના સેવન માટે મુક્તિ આપવામાં આવી રહી છે, જે ગુજરાત રાજ્યને કલંકિત કરતી ઘટના છે. આ ગુજરાતની અસ્મિતાનું ઘોર અપમાન કહી શકાય તેવી સ્થિતિ ઉભી થવા જઈ રહી છે.

ગાંધીના ગુજરાતમાં દરેક ગુજરાતીનું આ ઘોર અપમાન છેઃ મકવાણા

તેઓએ કહ્યું કે લીકર પરમિટ આપવાના કારણે ગુજરાતની જનતાની લાગણી દુભાઈ શકે તેવું કૃત્ય થવા જઈ રહ્યું છે, ગુજરાતમાં દારૂબંધી માટે કડક વલણ દાખવવામાં આવે અને તાત્કાલિક અસરથી ગિફ્ટ સીટી ખાતે અધિકૃત રીતે કામ કરતા કર્મચારી/અધિકારી તેમજ ગીફ્ટ સીટી ખાતે અધિકૃત રીતે મુલાકાત લેતા મુલાકાતીઓને લીકરના સેવન માટે મુક્તિ પર રોક લગાવવામાં આવે તેવી દરેક ગુજરાતીની લાગણી અને માંગણીને ધ્યાને રાખી તાત્કાલિક અસરથી આ છૂટ પર રોક લગાવવા બોટાદના ધારાસભ્યશ્રી ઉમેશભાઈ મકવાણા આગળ આવ્યા છે.

  • Follow us on: