રાજકોટમાં સિટી બસ ચાલકે કરેલા અકસ્માતમાં અત્યાર સુધીમાં ચાર લોકોના મોત નિપજ્યાં છે. આવ અકસ્માતને લઈને પોલીસે બસ ચાલક સામે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. તે ઉપરાંત રાજકોટ મહાનગર પાલિકાના કમિશનર દ્વારા મૃતકો અને ઈજાગ્રસ્તો માટે સહાયની જાહેરાત પણ કરવામાં આવી છે. ત્યારે સિટી બસના કોન્ટ્રાક્ટ મુદે મોટી માહિતી સામે આવી છે. ભાજપના કાર્યકર પાસે સિટી બસ સંચાલનનો કોન્ટ્રાક્ટ હોવાનું જાણવા મળ્યું છે. રાજકોટમાં વોર્ડ નંબર ચારમાં વિક્રમ ડાંગર ભાજપનો મહામંત્રી છે. તેની પાસે રાજકોટ સિટી બસમાં મેનપાવર પૂરો પાડવાનો કોન્ટ્રાક્ટ છે.


બસના ડ્રાઈવર સામે ગુનો દાખલ કરાયો છે

આ ઘટના અંગે ડીસીપીએ જણાવ્યું હતું કે, બસના ડ્રાઈવર સામે ગુનો દાખલ કરાયો છે. બસની બ્રેક ફેઈલ થઈ કે કેમ તેની તપાસ કરવામાં આવશે.સીસીટીવી જોતા એવું લાગે છે ડ્રાઈવર દ્વારા બ્રેક લાગી નથી અથવા તો તે મારી શક્યો નથી. રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આ બસનું સંચાલન કરવામાં આવે છે. જ્યારે રાજપથ લિમિટેડ સીધુ જ આરએમસીની અંડરમાં કામ કરે છે અને આ બસનું સંચાલન કરે છે. બીજી તરફ આ બસના સંચાલનમાં મેન પાવર પૂરો પાડવાનો કોન્ટ્રાક્ટ ભાજપના કાર્યકર પાસે હોવાનો ખુલાસો થયો છે. રાજકોટમાં વોર્ડ નંબર ચારમાં ભાજપના મહામંત્રી વિક્રમ ડાંગર પાસે સિટી બસમાં મેન પાવર પૂરો પાડવા માટેનો કોન્ટ્રાક્ટ છે.

કડકમાં કડક કાર્યવાહી કરાશે

આ ઘટના બાદ રાજકોટ ભાજપના ટોચના નેતાઓએ પ્રતિક્રિયા આપી હતી. ધારાસભ્ય ડો. દર્શિતા શાહે કહ્યું હતું કે, કોઈને પણ છોડવામાં નહીં આવે અને કડકમાં કડક કાર્યવાહી કરાશે. રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું હતું કે, બેફામ પણે બસ ચલાવતા આવા ડ્રાઈવરો સામે કડકમાં કડક પગલાં લેવા જોઈએ. જ્યારે રાજકોટના સાંસદ રામ મોકરિયાએ કહ્યું હતું કે, બસની સ્પિડ લિમિટ બંધ કરવા માટે મહાનગર પાલિકાના કમિશ્વનર સાથે વાત થઈ છે. ટ્રાફિકમાં કોઈપણ બસ કે વાહન સ્પીડમાં ના જવું જોઈએ.


  • Follow us on: