આજે રાજકોટ નાગરિક સહકારી બેંકની 21 ડિરેક્ટરોની ચૂંટણી માટે મતદાનની પ્રક્રિયા શરૂ થઇ ગઇ છે. 21 ડિરેક્ટરોની ચૂંટણીમાં અત્યાર સુધીમાં સહકાર પેનલના છ જેટલા ડિરેક્ટરો બિનહરીફ જાહેર થઈ ચૂક્યા છે. જ્યારે કે બાકી રહેતા 15 ડિરેક્ટરો માટે સહકાર પેનલના 15 ઉમેદવારો તેમજ સંસ્કાર પેનલના 11 ઉમેદવારો માટે મતદાનની પ્રક્રિયા યોજવામાં આવી છે. આ ચૂંટણીમાં ભાણેજ કરતાં મામાનું પલડું ભારે જોવા મળી રહ્યું છે.


મળતી માહિતી મુજબ, રાજકોટ નાગરિક સહકારી બેંકની આજે ચૂંટણી છે. 150 ફૂટ રીંગ રોડ સ્થિત નાગરિક બેંકની મુખ્ય શાખા ખાતે મતદાન હાથ ધરવામાં આવશે. સહકાર પેનલ અને સંસ્કાર પેનલ વચ્ચે ચૂંટણી મુકાબલો જામશે. કરોડોના ગોટાળાને લઈને જ્યોતિન્દ્ર મામા જૂથ અને કલ્પક જૂથ સામસામા આક્ષેપો કરી ચૂક્યું છે. હવે આ ચૂંટણી રાજકોટ કલેકટરના માર્ગદર્શન હેઠળ યોજવામાં આવી રહી છે.

સહકારી બેંકની ચૂંટણી મતદાન પ્રક્રિયા અંતર્ગત રાજકોટ શહેર, જેતપુર શહેર, મોરબી, જસદણ, અમદાવાદ, સુરત અને મુંબઈ સહિતના શહેરોમાં મતદાન મથક ઉભા કરવામાં આવ્યા છે. મતદાનની પ્રક્રિયા દરમિયાન વેબકાસ્ટિંગ પણ કરવામાં આવશે. તેમજ આગામી 19 મી નવેમ્બરના રોજ મત ગણતરી પણ યોજવામાં આવશે.

સમગ્ર મામલે ચૂંટણી અધિકારી પ્રભાવ જોષીએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, મતદાન પ્રક્રિયા અંતર્ગત 35 વ્યક્તિઓનો પોલીસ સ્ટાફ તેમજ 21 રિઝર્વ સ્ટાફ ની નિમણૂક કરવામાં આવી છે. શનિવાર બપોર સુધીમાં મતદાન મથક પર ચૂંટણી લક્ષી તમામ સાહિત્ય પહોંચાડવામાં આવ્યું છે. મતગણતરી 19 મી તારીખના રોજ સવારના 8:00 વાગ્યે 150 ફૂટ રીંગ રોડ પર આવેલી રાજકોટ નાગરિક સહકારી બેંકની હેડ ઓફિસ ખાતે કરવામાં આવશે. 80 વર્ષથી વધુ ઉંમરના મતદારો માટે તેમને મતદાન મથક પર લઈ જવા તેમજ મૂકવા માટેની તમામ વ્યવસ્થા ચૂંટણી તંત્ર દ્વારા કરવામાં આવેલી છે. મતદારોની સહાયતા માટે હેલ્પલાઇન નંબર પણ જાહેર કરવામાં આવેલ છે."

  • Follow us on: