ગુજરાતમાં છેલ્લા ઘણાં સમયથી ચોરી અને લૂંટની ઘટનાઓમાં નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે. ત્યારે ખેડા અમદાવાદ હાઈવે પર વડાલા પાટીયા નજીક બ્રિજ પર 1 કરોડ રૂપિયાની લૂંટ થઈ છે. કારમાં આવેલા ચાર શખસોએ અનાજના વેપારીને કરોડ રૂપિયાની રકમ લૂંટીને લૂંટારુંઓ ફરાર થઈ જતાં પોલીસ તપાસમાં જોતરાઈ છે.
ખેડા જિલ્લામાં 1 કરોડ રૂપિયાની લૂંટ ચલાવવામાં આવી હોવાનો બનાવ બન્યો છે. જેના પગલે પોલીસે સઘન તપાસ હાથ ધરી છે. નડિયાદની એક બેન્કમાંથી 1 કરોડ રૂપિયા લઇને રિક્ષામાં જઇ રહેલા શખ્સને ઇકોમાં આવેલા ઇસમોએ ખેડા-અમદાવાદ હાઇવે પર આંતર્યો હતો અને તેની પાસે રહેલા 1 કરોડ રૂપિયા લૂંટી ફરાર થઇ ગયા હતા. બનાવ અંગે ખેડા ટાઉન પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે. ફરિયાદના આધારે પોલીસે વિવિધ ટીમો બનાવીને આરોપીઓને ઝડપી પાડવા તપાસ તેજ કરી છે.













