ભારતના ચૂંટણી પંચ, નવી દિલ્હી દ્વારા વિધાનસભા મતવિભાગો માટે ચૂંટણીમાં મહત્તમ મતદારો સહભાગી થાય અને પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે મતદારયાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ જાહેર કરાયો છે. જે અંતર્ગત બનાસકાંઠા જિલ્લામાં તા. 01લી જાન્યુઆરી, 2025ના લાયકાતની તારીખના સંદર્ભે ફોટાવાળી મતદારયાદીની ખાસ સુધારણા કાર્યક્રમનું આયોજન કરાયું છે.
ખાસ ઝુંબેશ
જે અંતર્ગત હક્ક - દાવા અને વાંધા અરજીઓ રજૂ કરવાનો સમયગાળો તા.29/10/2024 મંગળવારથી લઈને તા.28/11/2024 ગુરુવાર સુધી યોજાશે. જેમાં ખાસ ઝુંબેશની તારીખો 17/11/2024 રવિવાર, 23/11/2024 શનિવાર તથા 24/11/2024 રવિવાર દરમિયાન યોજાશે. આ સાથે જિલ્લા ચૂંટણી વિભાગ દ્વારા 24/12/2024 મંગળવાર સુધીમાં હક્ક - દાવા અને વાંધા અરજીઓનો નિકાલ કરાશે. જ્યારે 6/01/2025 સોમવારના રોજ મતદાર યાદીની આખરી પ્રસિધ્ધિ કરાશે તેમ નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી બનાસકાંઠા દ્વારા એક અખબારી યાદીમાં જણાવ્યું છે.
વાવ વિધાનસભા વિસ્તારમાં કુલ ૩,૧૦,૬૮૧ મતદારો
બનાસકાંઠા જિલ્લા ચૂંટણી અધિકારી મિહિર પટેલના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરી,પાલનપુર ખાતે પત્રકાર પરિષદનું આયોજન કરાયું હતું. જેમાં તેમણે વાવ વિધાનસભા પેટા ચૂંટણી અંતર્ગત માહિતી આપતા જણાવ્યું હતું કે, વાવ વિધાનસભા વિસ્તારમાં કુલ ૩,૧૦,૬૮૧ મતદારો નોંધાયા છે. જેમાં ૧,૬૧,૨૯૩ પુરુષ તથા ૧,૪૯,૩૮૭ સ્ત્રી મતદારો અને ૦૧ અન્ય મતદારનો સમાવેશ થાય છે. ૦૭-વાવ વિધાનસભા બેઠક માટે તા.૧૩ નવેમ્બર, ૨૦૨૪ના રોજ મતદાન યોજાશે. વાવ વિધાનસભા બેઠક માટે તા.૧૮ ઑક્ટોબરથી તા.૨૫ ઑક્ટોબર, ૨૦૨૪ સુધીમાં જાહેર રજાના દિવસો સિવાય ઉમેદવારીપત્રો ભરવામાં આવશે.
આચારસંહિતા લાગુ
ઉલ્લેખનીય છે કે, સ્થાનિક ધારાસભ્ય ગેનીબેન ઠાકોર ગત લોકસભાની સામાન્ય ચૂંટણીમાં વિજેતા થવાથી તેમના રાજીનામાના કારણે વાવ વિધાનસભા બેઠક ખાલી પડી હતી. ૦૭-વાવ વિધાનસભાની પેટાચૂંટણી સંદર્ભે તા.૧૫/૧૦/૨૦૨૪ થી આદર્શ આચારસંહિતા લાગુ કરવામાં આવી છે.
1-ઉમેદવારીપત્ર પાછું ખેંચવાની છેલ્લી તારીખ:- ૩૦/૧૦/૨૦૨૪
2-મતદાનની તારીખ:- ૧૩/૧૧/૨૦૨૪
3-મત ગણતરીની તારીખ:- ૨૩/૧૧/૨૦૨૪
4-ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થવાની છેલ્લી તારીખ:- ૨૫/૧૧/૨૦૨૪