પોષણ પખવાડિયા ૨૦૨૫'નો ગાંધીનગર ખાતેથી રાજ્યવાપી શુભારંભ કરાવતા મહિલા અને બાળ વિકાસ મંત્રી ભાનુબેન બાબરીયાએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકારના ઉચ્ચ અધિકારીઓથી લઈને આંગણવાડી કાર્યકરો એમ સૌના સહિયારા પ્રયાસ થકી જ પોષણ અભિયાન સફળ બની રહ્યું છે. સ્વસ્થ જીવનમાટે પોષણ ખૂબ જ મહત્વનું પરિબળ છે. સગર્ભા સ્ત્રી, માતાઓ અને બાળકોને યોગ્ય પોષણયુક્ત આહાર મળી રહે તે માટે રાજ્ય સરકાર પ્રયત્નશીલ છે.
બાળકો આપણા વિકાસશીલ ભારતનું ભવિષ્ય છે
ગુજરાતના મહિલા અને બાળ વિકાસ મંત્રી ભાનુબેન બાબરીયાની અધ્યક્ષતામાં 'પોષણ પખવાડિયા'ની ઉજવણીના કાર્યક્રમનો ગાંધીનગર ખાતેથી રાજ્યવાપી શુભારંભ કરવામાં આવ્યો હતો. ગુજરાત સહિત દેશભરમાં તા. ૮ થી ૨૨ એપ્રિલ ૨૦૨૫ દરમિયાન 'પોષણ પખવાડીયું ૨૦૨૫' ઉજવવામાં આવશે.આજના બાળકો આપણા વિકાસશીલ ભારતનું ભવિષ્ય છે, તેમ જણાવતાં મંત્રીએ કહ્યું હતું કે, બાળકોને યોગ્ય પોષણ આપી તેમના સર્વાંગી વિકાસ કરવામાં આપણા પ્રયત્નો ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થઈ રહ્યા છે. આંગણવાડીમાં આપવામાં આવતા ટેક હોમ રાશન પોષણયુક્ત તત્વોથી ભરપૂર છે. જેનો રોજિંદા જીવનમાં ઉપયોગ કરવાથી બાળકો સુપોષિત બનશે. તમામ પ્રકારના પોષણ મળી રહે તે પ્રકારના આહારનો દૈનિક જીવનમાં સમાવેશ કરવો જોઈએ.
જાગૃત્તા થકી પોષણ અભિયાનને વધુ સફળ બનાવી શકાશે
મંત્રી બાબરીયાએ આંગણવાડી કાર્યકરોને અભિનંદન આપતા ઉમેર્યું હતું કે, રાજ્યના આંગણવાડી કાર્યકરો દ્વારા ખુબ જ સુંદર કામગીરી કરવામાં આવી રહી છે. તેઓ ભૂલકાંઓને જે રીતે પ્રેમથી જમાડે છે, ગમ્મત સાથે જ્ઞાન આપે છે તે બિરદાવા લાયક છે. આ પ્રસંગે સૌના સામૂહિક પ્રયાસથી, "સુપોષિત ગુજરાત"ના નિર્માણ માટે પ્રતિબદ્ધ બનવા મંત્રીએ આહવાન કર્યું હતું.ગુજરાત સરકારના આરોગ્ય, પંચાયત, કૃષિ, શહેરી વિકાસ, અન્ન અને નાગરિક પુરવઠા અને પાણી પુરવઠા જેવા વિવિધ વિભાગોની યોજનાઓ દ્વારા પોષણ અંગેની કામગીરી અને જાગૃત્તા થકી પોષણ અભિયાનને વધુ સફળ બનાવી શકાશે.
આ પહેલ પોષણ અભિયાનનો મહત્વપૂર્ણ ભાગ છે
આ પ્રસંગે મહિલા અને બાળ વિકાસ વિભાગના સચિવ રાકેશ શંકરે પોષણ પખવાડિયા દરમિયાન થનારી વિવિધ કામગીરીની વિગતો આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, દેશને વિકસિત રાષ્ટ્ર બનાવવામાં ગુજરાતની ભૂમિકા હંમેશા મહત્વની રહી છે ત્યારે સુપોષિત ભારતના નિર્માણમાં ગુજરાત મહત્વનું યોગદાન આપી રહ્યું છે,આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ દેશને પોષણયુક્ત બનાવવાનો છે. આ માટે વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરી સમગ્ર ભારતમાં પોષણ અને આરોગ્ય માટેની સારી આદતોને પ્રોત્સાહિત કરવાનું છે.
આંગણવાડી કાર્યકરો ઉપસ્થિત રહ્યાં હતા
આ પ્રસંગે ICDS કમિશનર રણજીતકુમાર સિંહે સ્વાગત ઉદ્ભોદન કર્યું હતું. આ કાર્યક્રમમાં મંત્રીના હસ્તે ભુલકાઓને અન્નપ્રાશન તથા સગર્ભા અને ધાત્રી માતાઓને પોષણ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમમાં ગાંધીનગર મહાનગરપાલિકાના મેયર શ્રી મીરાબેન પટેલ, ગાંધીનગર જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી શિલ્પાબેન પટેલ, ધારાસભ્ય રીટાબેન પટેલ તથા મહિલા અને બાળ વિકાસ વિભાગના અધિકારી કર્મચારીઓ તથા મોટી સંખ્યામાં આંગણવાડી કાર્યકરો ઉપસ્થિત રહ્યાં હતા.