ગાંધીનગરમાં આરોગ્ય કર્મચારીઓ પોતાના પ્રશ્નોને લઈને હડતાળ પર ઉતરેલા છે. છેલ્લા ઘણા દિવસથી સત્યાગ્રહ છાવણી ખાતે આરોગ્ય કર્મચારીઓ ગ્રેડ પે સહિતની માગને લઈને દેખાવ કરી રહ્યા છે. આજે આરોગ્ય કર્મચારીઓની હડતાળમાં ફાંટા પડ્યા છે. આરોગ્ય કર્મચારી સંઘના પ્રમુખ રણજીતસિંહે કહ્યું કે આરોગ્ય કર્મચારીઓની હડતાલ સમાપ્ત થઈ છે. સરકારને 3 મહિનાનો સમય આપવામાં આવ્યો છે. આ સમયમાં સરકાર દ્વારા અમારી માગ મુજબ કોઈ પગલાં લેવામાં નહીં આવે તો ફરી રાજ્ય વ્યાપી આંદોલન છેડવામાં આવશે.
આગેવાને પ્રમુખ સામે રોષ
પ્રમુખ રણજીતના આ નિવેદનને લઈને એક જિલ્લાના આગેવાને પ્રમુખ સામે રોષ ઠાલવ્યો . જિલ્લા આગેવાને કહ્યું કે કર્મીઓને પૂછ્યા વગર હડતાળ સમેટવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ભાવનગરના સંજય રાઠોડે તાપીના સુરેશ ગામીતને મારી નાખવાની ધમકી આપી. આ ધમકીને લઈને સુરશે ગામીતે કહ્યું કે મને કંઈ પણ થશે તો જવાબદારી પ્રમુખની રહેશે.
આરોગ્ય કર્મચારીઓની હડતાળમાં ફાંટા
આંદોલન કરતા કર્મચારીઓના વોટ્સઅપ ગ્રુપના સ્ક્રીનશોટ વાયરલ થયા છે. આ બતાવે છે કે આરોગ્ય કર્મચારીઓની હડતાળમાં ફાંટા પડ્યા છે. એક જિલ્લાના આગેવાને પ્રમુખને કહ્યું - બાપાની પેઢી ચલાવો છો? ધમકીને લઈને પ્રમુખ રણજીત સિંહે જણાવ્યું કે મારી નાખવાની ધમકી બાબતે મને ધ્યાન નથી. તાપી જિલ્લા પ્રમુખના સંદર્ભે સમજ ફેર થયેલો છે. તે આંદોલનમાં જોડાયેલા નહોતા એટલે બેઠકમાં આવવા માટે ના કહી હતી. કોઈને લાગી આવ્યું હશે તો ફોન કર્યો હશે. આરોગ્ય કર્મચારીઓની હડતાળને લઈને વિરોધભાસ જોવા મળી રહ્યો છે. હજુ પણ કેટલાક આરોગ્ય કર્મીઓ આંદોલનના મૂડમાં છે જ્યારે પ્રમુખ રણજીતસિંહ દ્વારા આંદોલન સમાપ્તની જાહેરાત કરવામાં આવી રહી છે.
આરોગ્ય કર્મચારીઓની માંગને અયોગ્ય ગણાવી
નોંધનીય છે કે 17 માર્ચથી રાજ્યમાં આરોગ્ય વિભાગના કર્મચારીઓ ગાંધીનગરમાં ધરણા પર બેઠા છે. અગાઉ પણ માર્ચના અંતમાં આરોગ્ય કર્મચારીઓની હડતાળ સમાપ્ત થયાની અફવા ફેલાઈ હતી. તે વખતે આરોગ્ય કર્મચારી સંઘના પ્રમુખે રણજીત સિંહ અફવાઓનું ખંડન કરતા હડતાળ યથાવત છે તેવું જાહેર કર્યું હતું. સત્યાગ્રહ છાવણી ખાતે વિરોધ પ્રદર્શન કરી રહેલા આરોગ્ય કર્મીઓ સામે સરકારે કડક વલણ અપનાવતા 8 જિલ્લાઓમાંથી 2100 થી વધુ કર્મચારીઓને છૂટા કર્યા હતા તો 5 હજારથી વધુ કર્મચારીઓને કારણદર્શક નોટિસ આપી કામ પર પરત ફરવા જણાવ્યું હતું. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે આરોગ્ય કર્મચારીઓની માંગને અયોગ્ય ગણાવી હતી. ઋષિકેશ પટેલનું કહેવું હતું કે રાજ્ય સરકાર આવા ગંભીર મુદ્દાઓ પર તાત્કાલિક નિર્ણય લઈ શકે નહીં.