રાજ્યની કોલેજ અને સ્કૂલોમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ ગાંજા તથા તેના જેવા માદક પદાર્થોના નશાના રવાડે ના ચડી જાય તે માટે ગંભીર પગલા લેવા માટે આદેશો આપવામાં આવ્યા છે. જેને પગલે ગાંધીનગર જિલ્લામાં આવેલી કોલેજો અને હોસ્ટેલની આસપાસ ગાંજા જેવા નશાકારક પદાર્થોનું વેચાણ ના થાય અને વિદ્યાર્થીઓ નશાનો ભોગ ના બને તે માટે પોલીસ દ્વારા સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે.


વિદ્યાર્થીઓમાં જાગૃતતા આવે તે માટે માર્ગદર્શન આપવામાં આવ્યું

આ દરમિયાન ગાંધીનગર એસ.ઓ.જી પોલીસ મથકના પીઆઈ વી.ડી.વાળા તથા તેમની ટીમ દ્વારા કોલેજો અને તેની આસપાસના પાર્લરો તેમજ હોસ્ટેલોમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. પોલીસે ઉવારસદમાં આવેલી કર્ણાવતી ડેન્ટલ કોલેજમાં નશા અંગે વિદ્યાર્થીઓમાં જાગૃતતા આવે તે માટે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું અને કોલેજ કે તેની આસપાસ ગાંજા કે તેના જેવા અન્ય નશાકારક પદાર્થોનું વેચાણ કોઈ કરતું હોય તો તેની માહિતી આપવા જણાવ્યું હતું અને માહિતી આપનારની ઓળખ ગુપ્ત રાખવામાં આવશે તેમ કહ્યું હતું.

કોલેજની આસપાસના પાર્લરો અને હોટલની પણ પોલીસે કરી તપાસ

ત્યારબાદ પોલીસ દ્વારા કોલેજની આસપાસના પાર્લરો અને હોટલોની પણ તપાસ કરવામાં આવી હતી અને કોલેજની આસપાસ ઉભા રહેતા રીક્ષા સહિતના વાહનો તપાસવામાં આવ્યા હતા, ત્યારબાદ હોસ્ટેલમાં પણ વિદ્યાર્થીઓના રૂમમાં સર્ચ ઓપરેશન કરવામાં આવ્યું હતું. તેમજ પોલીસે ગઈકાલે ગાંજા સાથે પકડેલા ઈસમને સાથે રાખીને તમામ જગ્યા પર સર્ચ ઓપરેશન કર્યું હતું. ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાય સમયથી રાજ્યમાં અનેક સ્થળેથી કરોડો રૂપિયાનું ડ્રગ્સ ઝડપી લેવામાં આવ્યું છે. યુવાધન બરબાદ ના થાય અને તેમનો પરિવાર પણ કોઈ મોટી મુશ્કેલીમાં ના મુકાય તે હેતુથી પોલીસ દ્વારા ડ્રગ્સ વિરોધી અભિયાન પણ રાજ્યભરમાં ચલાવવામાં આવી રહ્યું છે. 

  • Follow us on: