ગુજરાતમાં આરોગ્ય વિભાગના કર્મચારીઓ ગાંધીનગરમાં આંદોલન કરી રહ્યા છે. છેલ્લા કેટલાક દિવસોથી આંદોલન પર ઉતરેલા આરોગ્ય કર્મચારીઓને રાજ્ય સરકાર દ્વારા ફરજ પર હાજર થવા અલ્ટીમેટમ આપવામાં આવ્યું હતું. હડતાળ પર ઉતરેલા આંદોલનકારી આરોગ્ય કર્મચારીઓને 3 એપ્રિલ સુધીમાં હાજર થવા તંત્ર દ્વારા આદેશ કરવામાં આવ્યો હતો. આ મામલે આજે આરોગ્ય મંત્રી દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે કે આજ (3 એપ્રિલ)સાંજ સુધીમાં હાજર થયેલા કર્મચારીઓને જ પરત લેવામાં આવશે.


આરોગ્ય કર્મચારીઓને સરકારનું અલ્ટીમેટમ

આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ અગાઉ પણ કહ્યું હતું કે આરોગ્ય કર્મચારીઓની માગ યોગ્ય નથી. રાજ્યના તમામ આરોગ્ય કર્મચારીઓ આ રીતે આંદોલન પર ઉતરતા આરોગ્ય સેવાને માઠી અસર થઈ રહી છે.ખાસ કરીને ગ્રામીણ વિસ્તારોમાં મહિલાઓ અને બાળકો સહિત ગંભીર બીમારીના દર્દીઓને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આરોગ્ય કર્મચારીઓના અભાવે હોસ્પિટલોમાં ઓપીડી સેવા પણ ખોરવાઈ છે. વધુમાં તેમણે કહ્યું કે આરોગ્ય ગ્રેડ પેનો વિષય બધા જ કર્મચારીઓને લાગુ પડે છે એટલે આ મામલે તાત્કાલિક ધોરણે કોઈપણ પ્રકારનો નિર્ણય સરકાર કરી શકે નહીં. આરોગ્ય સેવા ખોરવાતા રાજ્ય સરકારે 3 એપ્રિલ સુધીમાં તમામ આરોગ્ય કર્મચારીઓને ફરજ પર હાજર થવા માટે સરકારે અલ્ટીમેટમ આપ્યું હતું. આજ સાંજ સુધીમાં જે કર્મચારીઓ હાજર થશે તેમના સસ્પેન્શન ઓર્ડર રદ કરાઈ તેમને પાછા લેવામાં આવશે તેમ આરોગ્ય મંત્રી દ્વારા જણાવવામાં આવ્યું.

આરોગ્યમંત્રીની અપીલ

નોંધનીય છે કે ગત 17 માર્ચથી રાજ્યભરના 500થી વધુ આરોગ્ય કર્મચારીઓ ટેક્નિકલ કેડરમાં સમાવેશ, ગ્રેડ પે અને ખાતાકીય પરીક્ષા રદ કરવાની મુખ્ય માંગણીઓ સાથે ગાંધીનગરમાં હડતાળ પર ઉતર્યા છે. રાજ્ય સરકારે 18 દિવસથી હડતાળ પર ઉતરેલા આરોગ્ય કર્મચારીઓ સામે સખત પગલા લેતા જિલ્લા સ્તરે અનેક આરોગ્યકર્મીને સસ્પેન્ડ કરવાની શરૂઆત કરી હતી. સરકારના સખત વલણ બાદ આરોગ્ય કર્મચારીઓમા ફફડાટ ફેલાયો હતો અને કેટલાક કર્મીઓ કામ પર પરત ફર્યા હતા. પરંતુ હજુ પણ કેટલાક આરોગ્ય કર્મચારીઓ ગાંધીનગરમાં વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે જેને લઈને આરોગ્ય મંત્રી દ્વારા તેમને કામ પર પાછા ફરવા અપીલ કરવામાં આવી છે.

  • Follow us on: