ગાંધીનગરમાં વ્યાયામ શિક્ષકોનું આંદોલન વધુ ઉગ્ર બન્યું છે. સચિવાલય ગેટ નંબર એક પર આંદોલનકારીઓ પોતાનો વિરોધ નોંધાવવા પંહોચતા તેમની અટકાયત કરવામાં આવી છે. વ્યાયામ શિક્ષકોના આંદોલનને હવે NSUIનું સમર્થન મળ્યું છે. કાયમી ભરતી માટે આંદોલન કરનારા વ્યાયામ શિક્ષકોના એનએસયુઆઈ પણ તેમના સમર્થનમાં જોડાઈ વિરોધ કરશે.


વ્યાયામ શિક્ષકોને NSUIનું સમર્થન

વ્યાયામ શિક્ષકો કરાર આધારિત ખેલ સહાયકના બદલે કાયમી શિક્ષક તરીકે ભરતી કરવાની માંગને લઈને આંદોલન પર ઉતર્યા છે. એનએસયુઆઈ ઉપરાંત કિસાન કોંગ્રેસના નેતા પાલ આંબલિયાએ પણ વ્યાયામ શિક્ષકોના આંદોલનને સમર્થન આપ્યું છે. પાલ આંબલિયાએ કહ્યું કે છેલ્લા બે સપ્તાહથી ઉમેદવારો દેખાવો કરી રહ્યા છે. ખેલ સહાયક યોજના રદ્દ કરવાની ઉમેદવારોની માંગ છે. તેમજ કાયમી ધોરણે વ્યાયામ શિક્ષકોની ભરતી કરવા માગ છે કારણ કે સરકારે લાંબા સમયથી કાયમી ધોરણે શિક્ષકોની ભરતી નથી કરી.

વિરોધ કરતા આંદોલનકારીઓની અટકાયત

સચિવાલય ગેટ તરફી જતા આંદોલનકારી વ્યાયમ શિક્ષકો સામે પોલીસ એકશનમાં આવી છે. વિરોધ કરનારા વ્યાયામ શિક્ષકોને પોલીસ ટિંગાટોળી કરી વાનમાં બેસાડવા લાગી છે. આજે કેટલાક વ્યાયમ શિક્ષકોની તબિયત લથડતા તેમને સારવાર માટે 108 માં હોસ્પિટલમાં મોકવલામાં આવ્યા. કાયમી કરવાની માગને આંદોલન કરી રહેલ વ્યાયામ શિક્ષકે જણાવ્યું કે અમારા પ્રશ્નોને લઈને અમે છેલ્લા એક વર્ષથી સંઘર્ષ કરી રહ્યા છીએ. અમારા યુનિયને છેલ્લા 1 વર્ષમાં અનેક વખત સરકારને અમારી સમસ્યાને લઈને આવેદનપત્રો આપ્યા છતાં અમારી રજૂઆત કાને ધરવામાં આવી નથી. અને એટલે જ તંત્રના બહેરા કાન અમારી વાત સાંભળે માટે અમે આંદોલનનો સહારો લીધો છે. અમે કાયમી કરવાની માગ પર અડગ છીએ.

માગ પર મક્કમ વ્યાયમ શિક્ષકો

વ્યાયામ શિક્ષકોની માગ છે કે તેમની કરાર મુજબ નહીં પરંતુ કાયમી ધોરણે ભરતી કરવામાં આવી. શાળાઓમાં પ્રાથમિકથી લઈને ઉચ્ચ શિક્ષણ સુધી શિક્ષકોને કાયમી ધોરણે ભરતી કરાતી હોય છે. સરકાર વ્યાયામ શિક્ષકોની નિમણૂંકને ગંભીરતાથી લેતી નથી. અને એટલે જ વ્યાયામ શિક્ષકો પોતાની માગને લઈને મક્કમ છે. જ્યાં સુધી સરકાર માગ પૂર્ણ નહી કરે ત્યાં સુધી તેઓ આંદોલન પૂર્ણ નહીં કરે તેવી ચીમકી ઉચ્ચારી છે.

  • Follow us on: