- બેંગ્લોર-સુરત ફ્લાઈટ અમદાવાદ મોકલાઈ
- પૂણેની ફ્લાઈટ પણ રદ્દ કરવામાં આવી
- ઈન્દોર-સુરત ફ્લાઈટને પણ નડી તકલીફ
કમોસમી માવઠાની આગાહી વચ્ચે રવિવારે સવારથી સુરત સહિત આખા દક્ષિણ ગુજરાતમાં ભારે પવન અને ગાજવીજ સાથે જોરદાર વરસાદ પડયો હતો. દરમિયાન ખરાબ હવામાનને કારણે રવિવાર સાંજે સાડા ચાર વાગ્યાની બેંગ્લોર-સુરત ફ્લાઈટને અમદાવાદ ડાયવર્ટ કરવી પડી હતી. ખરાબ હવામાન સામે સુરત એરપોર્ટની લેન્ડિંગ સિસ્ટમ નબળી સાબિત થતા એરપોર્ટ ફરતે છથી સાત રાઉન્ડ માર્યા બાદ બેંગ્લોર-સુરત ફ્લાઈટને અમદાવાદ ડાયવર્ટ કરવાની નોબત આવી હતી. જ્યારે ઇન્દોર-સુરત ફ્લાઈટ પણ એરપોર્ટના ત્રણ-ચાર ચક્કર કાપ્યા બાદ લેન્ડિંગ કરવામાં સફળતા મળી હતી. બીજી બાજુ પુણેની ફ્લાઈટ અન્ય કારણોસર રદ્દ કરવામાં આવી હતી.
મળતી માહિતી મુજબ રવિવારે સુરત એરપોર્ટ પર 18 જેટલી ફ્લાઈટ લેન્ડિંગ અને 18 જેટલી ફ્લાઈટ ટેકઓફ કરે છે. જ્યારે લેન્ડિંગ અને ટેકઓફ મળી વેન્ચૂરાની દસેક ટ્રીપ હોય છે. રવિવારે કમોસમી વરસાદના લીધે સુરત એરપોર્ટથી પ્રવાસ કરનારા પ્રવાસીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડયો હતો. વી વર્ક ફોર વર્કિંગ એરપોર્ટ એટ સુરતના સભ્યએ જણાવ્યું હતું કે, સુરત એરપોર્ટ પર આ પ્રકારની પરિસ્થિતિ ચોમાસા અને શિયાળા દરમિયાન વારંવાર જોવા મળે છે. વાતાવરણ ફોગવાળું કે વરસાદી હોય ત્યારે એપ્રોચ લાઈટ ખૂબ જ ઉપયોગ સાબિત થાય છે. જેની સુવિધા સુરત એરપોર્ટ પર નથી. આઈએલએસ (ઇન્સ્ટુમેન્ટ લેન્ડિંગ સિસ્ટમ)ને પણ અપડેટ કરવાની જરૂર છે. સુરત એરપોર્ટ ખાતે લેન્ડિંગ સિસ્ટમ ફુલ ફ્લેશ કરવાની જરૂર છે.













