સુરતના ડુમસ વિસ્તારનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જેમાં ડુમસ સાયલન્ટ ઝોનની બેલિઝિયા હોટલમાં દારૂ-હુક્કાની મહેફિલ માણતા લોકોને જોઈ શકાય છે. જો કે આ વીડિયો વાયરલ થયા બાદ ગુનો નોંધાયો છે.


સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર જીનલ દેસાઈનો બીજો વીડિયો વાયરલ

સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર જીનલ દેસાઈ સામે પણ આ મામલે ગુનો નોંધાયો છે. મહેફિલ માણનારા બુટલેગર અને કહેવાતી સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર જીનલ દેસાઈ સહિત 4 લોકો સામે ડુમસ પોલીસે ગુનો નોંધ્યો છે અને વધુ કાર્યવાહી હાથ ધરી છે. તમને જણાવી દઈએ કે જીનલ દેસાઈનો આ બીજો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. ત્યારે આ વીડિયોના આધારે બુટલેગર સહિત 4 શખ્સો સામે ગુનો નોંધાયો છે. મહેફિલ માણતો વીડિયો વાયરલ થતાં ગુનો નોંધાયો છે. 22મી ઓક્ટોબરે ટેક્સટાઈલમાં મોડલિંગ કરતી કક્ષા રમેશ સરવાણીનો જન્મદિવસ હતો, એટલે તેના ભાઈ મિહિર રમેશ સરવાણી, તેજસ ભરત મહેતા અને જીનલ દેસાઈએ હોટલ બેલિઝિયાના રૂમ નંબર 607માં પાર્ટી કરી હતી.


અગાઉ સુરતમાં જાહેરમાં જન્મદિવસની ઉજવણી કરવા મામલે જીનલ દેસાઈ સામે નોંધાયો હતો ગુનો

થોડા દિવસ પહેલા જ સુરતમાં અડધી રાત્રે જાહેરમાં ફટાકડા ફોડી અને આતશબાજી કરીને જન્મદિવસની ઉજવણી કરવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો, જેમાં સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સરે જાહેરમાં જન્મદિવસની ઉજવણી કરી હતી અને કારના બોનેટ પર બેસીને ઉજવણી કરીને પોલીસના જાહેરનામાનો ભંગ કર્યો હતો. જેને લઈને સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર સામે ઉમરા પોલીસે વીડિયોના આધારે તપાસ હાથ ધરીને ગુનો નોંધ્યો હતો.

જીનલ દેસાઈ અગાઉ પણ પોલીસના જાહેરનામાનો સરાજાહેર ભંગ કર્યો હતો

સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સરે જાહેરમાં રસ્તા ઉપર જન્મદિવસની ઉજવણી કરી હતી અને વીડિયો વાયરલ થતાં ચર્ચાનો વિષય બન્યો હતો. મોડી રાત્રે જીનલ દેસાઈએ કારના બોનેટ પર બેસી કારના બંને દરવાજા ખોલીને જોરજોરથી ગીતો વગાડયા હતા અને જન્મદિવસની ઉજવણી કરી હતી અને પોલીસના જાહેરનામાનો સરાજાહેર ભંગ કર્યો હતો. કેક કાપ્યા પછી એક સાથે ફટાકડા પણ ફોડવામાં આવ્યા હતા અને આતશબાજીના કારણે આસપાસના સ્થાનિક લોકોની પણ ઉંઘ હરામ થઈ ગઈ હતી.


  • Follow us on: