હાય રે કળિયુગ, સુરતના કાપોદ્રામાં સગી પુત્રીની નરાધમ બાપ દ્વારા છેડતી કરવામાં આવતા પોલીસ પણ ચોંકી ગઈ હતી. સુરતના કાપોદ્રા વિસ્તારમાં રહેતા કાપડ વેપારીએ બિમાર પત્નીની ગેરહાજરીમાં છેલ્લા 15 દિવસમાં ત્રણ વખત 19 વર્ષની સગી દીકરીના શરીરે હાથ ફેરવી કપડાં ઉતારવાની કોશિષ કરી અડપલાં કર્યા હતા.


યુવતીની માતાએ પતિ વિરૂદ્ધ નોંધાવી છેડતીની ફરિયાદ

આખરે યુવતીએ વતન સારવાર માટે ગયેલી માતાને આ અંગે જાણ કરી હતી. વતનથી સુરત આવેલી માતાએ આ અંગે કાપોદ્રા પોલીસ મથકમાં પતિ વિરુદ્ધ છેડતીની ફરિયાદ નોંધાવતા પોલીસે પતિની ધરપકડ કરી છે. મૂળ સૌરાષ્ટ્રના વતની અને સુરતમાં 40 વર્ષીય પત્ની અને 19 વર્ષની બે દીકરી સાથે કાપોદ્રા વિસ્તારમાં રહેતા 40 વર્ષીય આધેડ કાપડ વેપારી છે. પત્નીને આંખ આવવાની અને તાવની તકલીફ હોય તે ગત 29 ઓક્ટોબરના રોજ નાની દીકરીને લઈ સારવાર માટે પિયર સૌરાષ્ટ્ર ગયા હતા. જયારે તેમની મોટી દીકરી અહીં પિતા સાથે રોકાઈ હતી.

વિકૃત પિતાએ 15 દિવસમાં ત્રણ વખત કરતૂત કરી

આ દરમિયાન ગત 1 નવેમ્બરના રોજ દીકરીએ તેના મામાને ફોન કરી માતાને જાણ કરી હતી કે તેમના ગયા બાદ તે તેના રૂમમાં સૂતી હતી, ત્યારે ચાર વાગ્યે પિતા રૂમમાં આવીને તેની પાસે સુઈ ગયા હતા. બાદમાં તેની છાતી ઉપર હાથ ફેરવી પાયજામો ઉતારી આખા શરીરે હાથ ફેરવતા સ્વીટીએ તેમને રોક્યા હતા, તે સમયે પિતા પોતે ઊંઘમાં છે તેવું કહ્યું હતું. જોકે પત્નીની ગેરહાજરીમાં છેલ્લા 15 દિવસમાં આવી કરતૂત ત્રણ વખત કરી હતી. ગત આઠમીના રોજ પત્ની પિયરથી સુરત પરત આવ્યા હતા. જોકે, તેમની તબિયત બરાબર ન હોય સ્મીમેર હોસ્પિટલમાં સારવાર કરાવ્યા બાદ આખરે ગઈકાલે તેમણે પતિ વિરુદ્ધ કાપોદ્રા પોલીસ મથકમાં છેડતીની ફરિયાદ નોંધાવતા પોલીસે પતિની ધરપકડ કરી હતી.

પોલીસે વિકૃત બાપની કરી ધરપકડ

કાપોદ્રા પોલીસની તપાસમાં વધુમાં જાણવા મળ્યું હતું કે માતા-પિતાના વિખવાદને પગલે મામાને ત્યાં ઉછરેલી યુવતી દોઢ વર્ષથી જ તેમની સાથે રહે છે. કાપોદ્રા પોલીસે વિકૃત બાપની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

  • Follow us on: