ભારતના નૌકાદળમાં તાજેતરમાં સમાવેશ થનાર ‘INS સુરત’ જહાજ મેક ઈન ઇન્ડિયાની થીમ પર બનાવવામાં આવ્યું છે.  ‘INS સુરત’  જહાજનું આજે સુરતના હજીરા પોર્ટ પર ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. ‘INS સુરત’ભારતીય નૌકાદળનું આધુનિક યુદ્ધ જહાજ છે જેને જોઈને દુશ્મનોનો પરસેવો છૂટી જાય છે. "INS સુરત'ની ખાસ વિશેષતા છે કે તે પાણીની સપાટીને સમાંતર મિસાઇલ છોડવાની ક્ષમતા ધરાવે છે. આ વર્ષની શરૂઆતમાં એટલે કે 15 જાન્યુઆરીના રોજ ‘INS સુરત’ યુદ્ધ જહાજને રાષ્ટ્રને સમર્પિત કરવામાં આવ્યું હતું.


‘INS સુરત’નું આગમન 

આજે જ્યારે દેશમાં યુદ્ધના ભણકારા વાગી રહ્યા છે ત્યારે સુરતના બંદર પર ‘INS સુરત’નું આગમન અનેક સંકેતો આપે છે. આગામી દિવસોમાં INS સુરત મહત્વનો ભાગ ભજવી શકે છે. INS સુરત (Indian Naval Ship Surat) એ ભારતીય નૌકાદળનો એક યુદ્ધ જહાજ છે જે વિશેષ રૂપે ભારતમાં જ બનાવવામાં આવેલું છે. તેનું નામ ગુજરાતના શહેર "સુરત" પરથી રાખવામાં આવ્યું છે. આ યુદ્ધ જહાજનો ઉપયોગ સૈન્ય, કોન્સ્ટેબલરી, રાજદ્વારી અને નૌકાદળની સૌમ્ય ભૂમિકાઓ માટે કરી શકાય છે.

INS સુરતની વિશેષતાઓ:

INS સુરત એકથી વધુ પ્રકારના કાર્યો કરે છે. આ જહાજ સંપૂર્ણ રીતે ભારતના નૌકાવિહાર નગર મઝગાંવ ડૉક યાર્ડમાં બનાવાયું છે, જે આત્મનિર્ભર ભારતના ઉદ્દેશને મજબૂત કરે છે. તેનો ઉપયોગ ‘કેરિયર ટાસ્ક ફોર્સ’ (CTF)થી લઈને ‘સરફેસ એક્શન ગ્રૂપ્સ’ (SAG) અને ‘સર્ચ એન્ડ એટેક યુનિટ્સ’ (SAU) તરીકે કરી શકાય છે.

INS સુરત "Project 15B" હેઠળ તૈયાર કરવામા આવ્યું છે. તેનું વજન આશરે 7,400 ટન છે અને તેમાં લગભગ 300-350 નૌસેનિકો રહી શકે તેવી ક્ષમતા છે. આ ઉપરાંત ‘INS સુરત’ ધ્વનિ ગતિની ઝડપ કરતાં પણ વધુ ગતિથી ચાલે છે. તેમાં લંબગોળ મિસાઇલ, બ્રહ્મોસ જેવી સુપરસોનિક મિસાઇલો અને અનેક એડવાન્સ યુદ્ધ સાધનો લાગેલ છે. આ જહાજ રડારમાં ના આવી શકતા દુશ્મનો માટે પડકારરૂપ છે. આ યુદ્ધ જહાજમાં એડવાન્સ રડાર, ઈલેક્ટ્રોનિક વોરફેર સિસ્ટમ અને નેવિગેશન સાધનો છે. જહાજની ફલાઈટ ડેક એટલી વિશાળ છે કે તેના પર બે હેલિકોપ્ટર તૈનાત કરી શકાય છે. આ જહાજની અન્ય એક ખાસ વિશેષતા એ પણ છે કે તેની ડિઝાઈન મહિલા અધિકારીઓ અને ખલાસીઓની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવી છે.

ભારતીય નૌકાદળમાં સમાવેશ

જણાવી દઈએ કે આ વર્ષની શરૂઆતમાં ભારતના નૌકાદળમાં ત્રણ યુદ્ધ જહાજને સામેલ કરવામાં આવ્યા હતા. 15 જાન્યુઆરી 2025નો દિવસ સુરત જ નહી ગુજરાત માટે ખાસ મહત્વનો રહ્યો. મુંબઈના નૌકાદળ ડોકયાર્ડ ખાતે આ દિવસે INS સુરત ઉપરાંત INS નીલગિરી અને INS વાઘશીરનો ભારતીય નૌકાદળમાં પ્રવેશ કરવામાં આવ્યો હતો. અને આજે ગુજરાતમાં સુરત ખાતેના હજીરા પોર્ટ પર INS સુરત યુદ્ધ જહાજે આગમન કર્યું છે.

  • Follow us on: