- અમદાવાદ ખાતેની ઝડતી સ્કવોર્ડની ટીમની તપાસ દરમિયાન મળી આવ્યો ફોન
- યાર્ડ નંબર બી-2ની બેરેક નંબર 3 અને 4ની વચ્ચે થી મળ્યો મોબાઈલ
- કપડાં ધોવાની ચોકડી પાસે સંતાડેલો મોબાઈલ ફોન મળ્યો
ગુજરાતની જેલોમાંથી આરોપીઓ પાસેથી ફોન મળી આવવાની ઘટના વારંવાર બનતી હોય છે,ત્યારે ગઈકાલે સુરતની લાજપોર જેલના બેરેકમાંથી ફરી ફોન મળી આવ્યો છે.અમદાવાદની ઝડતી સ્કવોર્ડની ટીમ તપાસમાં હતી તે દરમિયાન કપડા ધોવાની ચોકડીમાં પાણી જવાના બાખોરાની અંદર પ્લાસ્ટીકના ઝભલામાં વીંટાળેલો મોબાઈલ ફોન મળી આવ્યો હતો,ફોન કયા આરોપીનો છે કોનો છે તેને લઈ હજી કોઈ માહિતી સામે આવી નથી,પરંતુ સચીન પોલીસ સ્ટેશનમાં આ બાબતે અજાણ્યા આરોપી સામે ગુનો નોંધાયો છે.
15 દિવસ પહેલા સુરેન્દ્રનગરની જેલમાંથી મળ્યા મોબાઈલ
સુરેન્દ્રનગર સબજેલમાં અમદાવાદની ટીમ દ્વારા તપાસ હાથ ધરાઈ હતી. જેમાં બેરેક પાસે ગટરમાં કુંડીની અંદર તપાસ કરતા 6 મોબાઇલ મળ્યા હતા. આથી સીટી એ ડિવિઝન પોલીસ મથકે ફરીયાદ નોંધાવાઇ હતી. જ્યારે મોબાઇલ FSL તપાસ માટે મોકલાયા હતા. સુરેન્દ્રનગર સબ જેલમાં અધિક પોલીસ મહાનિર્દેશક જેલ અને સુધારાત્મક વહિવટી કચેરી ગુજરાત રાજ્ય અમદાવાદ ટીમ તપાસ હાથ ધરાઈ હતી. જેમાં ઇનચાર્જ સબજેલર સી.એચ. વાઘમારેને સાથે રાખી જેલમાં ચકાસણી હાથ ધરાઈ હતી. દરમિયાન જેલની પૂર્વ અને દક્ષિણ દિશા તરફની મુખ્ય દીવાલના ખૂણા બાજુમાં આવેલી બેરેકની તપાસ કરાઇ હતી.જેમાં બેરેક નંબર 1 અને 2 પાસેથી મોબાઈલ ફોન મળી આવ્યો હતો.

મહિના અગાઉ સેન્ટ્રલ જેલમાંથી ફોન મળી આવ્યો
વડોદરા સેન્ટ્રલ જેલમાં સરદાર યાર્ડ સેલ 4માં કાચા કામના કેદીએ બિસ્તરમાં છેલ્લા 20-25 દિવસથી અનિલ ઉર્ફે એન્થોની, સુનિલ ઉર્ફે અદો અને પાર્થ બાબુલ પરીખે સંતાડવા માટે આપેલ ત્રણ મોબાઇલ ફોન જેલર સહિતના અધિકારીઓ અને ઝડતી સ્ક્વોર્ડ દ્વારા ઝડપી પાડવામાં આવ્યા છે આ ચારેય કેદીઓ મોબાઈલનો ઉપયોગ કરતા હતા. જેલરે ચાર કેદીઓ સામે રાવપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.