• રાજયમાં કાળઝાળ ગરમીથી લોકો ત્રાહિમામ
  • 40થી ઓછી ઉંમરના 6 લોકોનો ગરમીના કારણે ગયો જીવ
  • કોઈ ઘરે તો કોઈ રસ્તામાં બેભાન થયા બાદ મોત

ગુજરાતમાં કાળઝાળ ગરમી પડી રહી છે,તેની વચ્ચે સુરતમાં મોટી ઘટના સામે આવી છે જેમાં ગરમીને લઈ એક જ દિવસમાં 9 લોકોના મોત થયા છે.આકરી ગરમી વચ્ચે અચાનક બેભાન અને ગભરામણ બાદ મોત થવાની ઘટના સામે આવી છે.50 વર્ષના બે લોક અને એક 45 વર્ષીય પુરુષનું મોત થયું છે,બાકીના 6 મૃતકની ઉંમર 40 વર્ષથી ઓછી હતી,કોઈ ઘરે તો કોઈ રસ્તામાં બેભાન થયા બાદ હોસ્પિટલ લવાયા હતા.

ઈમરજન્સી કોલમાં વધારો થયો

સુરતની સિવિલ અને સ્મીમેરમાં હીટસ્ટ્રોકના દર્દીઓ માટે અલાયદી વ્યવસ્થા કરી મેડિકલ-પેરામેડીકલ સ્ટાફને સારવાર, આગોતરી તૈયારીઓ અંગે માહિતગાર કરાયા હતા. સિવિલમાં 10 બેડનો એક અલાયદો વોર્ડ બનાવાયો છે. જ્યારે સ્મીમેરમાં 4 બેડની વ્યવસ્થા કરાઈ છે.બુધવારે હિટવેવની અસરના કારણે હિટસ્ટ્રોકના સિવિલ હોસ્પિટલમાં 4 અને સ્મીમેર હોસ્પિટલમાં 4 દર્દીઓને સારવાર માટે આવ્યા હતા. છેલ્લા 20 દિવસમાં 108ને હિટ રીલેટેડ ઈમરજન્સીના કુલ 108 કોલ મળ્યા હતા. જેમાં છેલ્લા ત્રણ દિવસમાં જ 31 કોલ મળ્યા હતા.


એક સપ્તાહ બાદ ગરમીમાં એકાદ ડિગ્રી જેટલો ઘટાડો થઈ શકે છે

બપોરના સમય ગાળા દરમિયાન ખાસ કરીને 12 વાગ્યાથી 6 વાગ્યા દરમિયાન બહાર ન નીકળવું હિતાવહ રહેશે. કારણ કે, આ ગરમીમાં કોઈપણ વ્યક્તિ બિમાર પડી શકે છે. આથી હવામાન વિભાગે રેડ એલર્ટ જાહેર કર્યું છે. આ ઉપરાંત અમદાવાદ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં પાટણ, મહેસાણા અને સાબરકાંઠામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. પરંતુ ગઈકાલની જેમ આજે પણ અનેક જિલ્લાઓમાં હીટવેવની શક્યતા છે. આગામી એક સપ્તાહ દરમિયાન ગરમીથી રાહત મળવાના કોઈપણ અણસાર હવામાન વિભાગે વ્યક્ત કર્યા નથી. પરંતુ એક સપ્તાહ બાદ ગરમીમાં એકાદ ડિગ્રી જેટલો ઘટાડો થઈ શકે છે.

છેલ્લા 24 કલાક મુજબ નોંધાયેલ ગરમીના આંકડા

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કયા કેટલું તાપમાન નોંધાયું તેની વાત કરવામાં આવે તો અમદાવાદમાં 45.9 ડિગ્રી, સુરેન્દ્રનગરમાં 45.8 ડિગ્રી,ગાંધીનગર 45.7 ડિગ્રી,ભુજ 44.3 ડિગ્રી, અમરેલીમાં 44.9 ડિગ્રી,વલ્લભ વિદ્યાનગર 44.1 ડિગ્રી, કંડલામાં સૌથી વધુ 46.1 ડિગ્રી તાપમાન નોંધાયું છે.રાજયમાં ગરમીનો હાહાકાર જોવા મળ્યો છે.


  • Follow us on: