સુરતમાં વધુ એક વખત વ્યાજખોરનો આતંક સામે આવ્યો છે. સુરત શહેરના ઉધના વિસ્તારમાં વ્યાજખોરનો આતંક જોવા મળ્યો હતો. રાહુલ સાબલે નામનો વ્યાજખોર 15 ટકા વ્યાજ વસૂલતો હતો અને રકમ ચૂકવ્યા છતાં પણ વધુ પૈસાની માગણી ફરિયાદી પાસે કરતો હતો. જો કે ફરિયાદીએ કંટાળીને આ વ્યાજખોર રાહુલ સાબલે વિરૂદ્ધ ઉધના પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે અને ફરિયાદના આધારે વ્યાજખોર વિરૂદ્ધ પોલીસે કાર્યવાહી કરીને તેની ધરપકડ કરી લીધી છે.


આરોપીએ છરી બતાવી ફરિયાદીને આપી હતી ધમકી

તમને જણાવી દઈએ કે રાહુલ સાબલે નામના વ્યાજખોરે એક વ્યક્તિને 1.50 લાખ રૂપિયા 15 ટકા વ્યાજે આપ્યા હતા. જો કે વ્યાજે પૈસા લેનારી વ્યક્તિએ 1.10 લાખ રૂપિયા ચુકવ્યા બાદ પણ વ્યાજપેટે રાહુલ 1.50 લાખ રૂપિયાની પઠાણી ઉઘરાણી કરતો હતો. જો કે એક દિવસ રાહુલ ચપ્પુ લઈને ફરિયાદીને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. જો કે આ સમગ્ર ઘટનાની જાણકારી પોલીસને કરવામાં આવતા પોલીસ ફરિયાદીની મદદે આવી અને વ્યાજખોર રાહુલ સાબલેને ઝડપી લઈને તેની વિરૂદ્ધ કાયદેસરની કડક કાર્યવાહી શરૂ કરી છે.

નડિયાદમાં વ્યાજખોર મહિલાએ જ્વેલર્સની દુકાનમાં કરી પઠાણી ઉઘરાણી

ગઈકાલે જ ખેડાના નડિયાદમાંથી વ્યાજખોર મહિલાનો આતંક સામે આવ્યો હતો. જે ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા હતા. જેમાં મહિલા વ્યાજની પઠાણી ઉઘરાણી કરતી જોવા મળી રહી હતી. નડિયાદ શહેરના પશ્ચિમ વિસ્તારમાં એક જ્વેલર્સની દુકાનમાં વ્યાજની રકમ વસૂલવા માટે એક મહિલા આવી હતી. મહિલાએ આવીને જવેલર્સ પાસેથી વ્યાજની રકમ માંગી હતી. જે બાદ જ્વેલર્સની દુકાનમાં આવીને કાચના ટેબલ પર બોટલ પછાડી હતી. ત્યાં હાજર લોકો પર રોફ જમાવીને ડરનો માહોલ પેદા કર્યો હતો. જે બાદ વ્યાજના રુપિયા વસૂલવા માટે દુકાનના સોફા પર બેસીને હાજર લોકોને અપશબ્દો કહ્યા હતા. તો તે સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી.


  • Follow us on: