ખેડાના ઠાસરામાં ખેડૂતોએ રાતા પાણીએ રોવાના વારો આવ્યો છે. ઠાસરામાં જેસાપુરાના કેટલાક વિસ્તારમાં બાજરીની ખેતી કરવામાં આવે છે. જેસાપુરાના એક ખેડૂતે પોતાના દોઢ વિઘા ખેતરમાં બાજરીનું વાવેતર કર્યું. અને જ્યારે પાકણીનો સમય થયો ત્યારે બાજરીના બદલે રુછા નીકળ્યા. ખેતીમાં આટલી મોટી છેતરપિંડી થતા ખેડૂતને મોટું આર્થિક નુકસાન થયું. આ ખેડૂતની હાલત કફોડી બની છે. જે પાકનું વેચાણ કરી તે પોતાનું ગુજરાન કરે છે અને હવે તેના બદલે રુછા નીકળતા મોટું આર્થિક નુકસાન થયું
દોઢ વિઘા જમીનમાં બાજરીનું વાવેતર
જેસાપુરના ખેડૂત મહેશભાઈ ચાવડાએ આ મામલે સરકારને અપીલ કરી છે કે બિયારણ ડુપ્લીકેટ છે. એટલે આવા નકલી બિયારણ વેચાણ કરનાર કંપની સામે પગલા લેવામાં આવે. ખેડૂત મહેશભાઈએ સંદેશ ન્યૂઝ સાથેની વાતચીતમાં પોતાની વ્યથા ઠાલવતા કહ્યું કે નકલી બિયારણના પાપે મારો કમાણી કરતો પાક કોડીનો થઈ ગયો. તેમણે કહ્યું કે બાજરીના પાક માટે મેં સુંદરપુરા ગામથી 730 રૂપિયાનું બિયારણ લીધું હતું. આ બિયારણ લાવી મારી દોઢ વિઘા જમીનમાં બાજરી વાવી.
નકલી બિયારણના કારણે ખેડૂતનો તમામ પાક નિષ્ફળ
વધુમાં ખેડૂતે કહ્યું કે મેં મારી જમીનમાં નાના બાળકની જેમ બાજરીના છોડને ઉછેરી મોટા કર્યા. દોઢ વિઘામા અંદાજે 100 મણ બાછરી કે જેની કિંમત 60હજાર જેટલી થાય છે. જ્યારે બાજરીની ખેતીનો પાકવાનો સમય થયો ત્યારે બાજરીના ડૂંડાના બદલે ત્યાં રુછા ઉગ્યા હતા. આમ, થવાનું કારણ નકલી બિયારણ છે. કારણ કે મેં વાવણી તમામ તકેદારી સાથે બાજરીનો પાક કર્યો હતો. પરંતુ નકલી બિયારણના કારણે મારો દોઢ વિઘા જમીનનો તમામ પાક નિષ્ફળ ગયો.
સરકાર કંપની સામે એકશન લે તેવી ખેડૂતની માગ
આ બિયારણ હું સુંદરપુરા ગામથી 730 રૂપિયામાં લાવ્યો હતો. પાયોનિયરમ છાશિયમ અગિયારનું આ બિયારણ હતું. જ્યાંથી બિયારણ લીધું તે દુકાનદારને પણ રજુઆત કરી પણ પરિણામ શૂન્ય..અને જયારે કંપનીને આ બાબતે ફોન કરી જાણ કરી ત્યારે તેમણે કહ્યું કે તમારી જમીનમાં તકલીફ છે બિયારણ તો બરાબર છે. મારી દોઢ વિઘા જમીનનો પાક નિષ્ફળ જતા મારે મોટા આર્થિક નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે. એટલી મારી અપીલ છે કે સરકાર આ કંપનીના બિયારણની તાત્કાલિક તપાસ કરાવે અને કંપની વિરુદ્ધ એક્શન લે. જો સરકાર આ બાબત ધ્યાનમાં નહી લે તો મારા જેવા અનેક ખેડૂતો નકલી બિયારની છેતરપિંડીના ભોગ બનશે અને તેમને જંગી નુકસાન ભોગવવું પડશે.