ખેડા જિલ્લામાં આવેલા સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં આગની ઘટના બની હતી. ડાકોરમાં પોલીસ સ્ટેશન પાસે પૂજા ટોઈઝ નામની દુકાનના ગોડાઉનમાં ભરેલા રમકડામાં આગ લાગી હતી. તો સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ આગે ખૂબ જ વિકરાળ સ્વરુપ ધારણ કરી લીધું છે. જેના લીધે કલાકો વિતી જવા છતા આગ હજુ સુધી કાબૂમાં આવી નથી. જેને લઈને ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો છે. લોકો પણ આગની ઘટનાને લઈને ભારે ડરી ગયા હતા.


રમકડાના ગોડાઉનમાં આગ

ડાકોરમાં આવેલી રમકડાની દુકાનના ગોડાઉનમાં ભયાનક આગ ફાટી નીકળી હતી. જેને બુઝાવવા માટે ડાકોર ફાયર ફાઈટર અને ઉમરેઠ ફાયર ફાઈટરની ટીમો ઘટના સ્થળે આવી પહોંચ્યા હતા. હજુ સુધી આગ કેવી રીતે લાગી એ જાણી શકાયું નથી. ડાકોર નગરપાલિકા તંત્ર દ્વારા જેસીબી મશીનને દિવાલ તોડવા માટે કાર્યરત કર્યું છે. ગોડાઉનમાં આગ લાગતા લાખો રુપિયાના રમકડા બળીને ખાક થઈ ગયા હોવાનું જાણવા મળ્યું છે.

આગને બુઝાવવાની કામગીરી કરાઈ

ડાકોર નગરપાલિકા તંત્ર પાસેથી મળતી સત્તાવાર માહિતી મુજબ ગોડાઉન મંગેશ ચૌધરીનું હોવાનું જાણવા મળ્યું છે. ગોડાઉનની આગને પગલે MGVCL ડાકોરના કર્મચારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. જેમને આગ વધે નહી તે હેતુંથી સમગ્ર કોમ્પ્લેક્સનું વીજ જોડાણ કાપી નાખ્યું હતું. તો આગની હોનારતને જોવા માટે લોકોના ટોળેટોળા એકઠા થઈ ગયા હતા.તો જાનહાનિનો કોઈ અહેવાલ સામે આવ્યો નથી. તો આગ લાગવાનું કારણ હજુ સુધી અકબંધ છે.

  • Follow us on: