રાજ્યમાં નાની નાની બાબતે હત્યાની ઘટનાઓ બની જવી હવે જાણે કે સામાન્ય બની ગયું હોય તેવું લાગી રહ્યું છે, એક તરફ સરકાર કહી રહી છે કે રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા યોગ્ય છે પણ વાસ્તવિક સ્થિતિ કંઈક જુદી જ હોય તેવું રાજ્યમાં બનતી હત્યાની ઘટનાઓ પરથી લાગી રહ્યું છે. ત્યારે ખેડા જિલ્લાના ચાંદાણા ગામે પણ હત્યાની એક ઘટના સામે આવી છે. સામાન્ય પાણી ઢોળવા બાબતે બે પરિવાર વચ્ચે ઉગ્ર બોલાચાલી અને મારામારી થઈ ગઈ હતી.


મુકેશ પટેલ, ભદ્રેશ પટેલ સામે ફરિયાદ નોંધાઈ

આ સામાન્ય તકરાર બાદ બંને પરિવારો સામ સામે આવી ગયા હતા અને આ મારામારીની ઘટનામાં મુકેશ પટેલે લોખંડની પાઈપ સુનિલ પટેલના માથામાં મારી મોતને ઘાટ ઉતારી દીધા હતા. આમ, મારામારીની ઘટના હત્યામાં ફેરવાઈ હતી. ત્યારબાદ હેતલબેન અને રંજનબેન પટેલને હાથે તેમજ પગે લાકડાના ફટકા મારી ઈજા પહોંચાડવામાં આવી હતી. 'તમે ફળિયામાં પાણી કેમ ઢોળો છો' તેવું કહેતા ઉગ્ર બોલા ચાલી થઈ હતી. સુનિલ પટેલના માથામાં ગંભીર ઈજા પહોંચતા સારવાર દરમિયાન તેમનું મોત થયું છે. ખેડા સિવિલ હોસ્પિટલ ખાતે મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરીને આગળની કાર્યવાહી હાથ ધરાઈ છે. ત્યારે આ સમગ્ર મામલે ખેડા ટાઉન પોલીસ દ્વારા પિતા મુકેશ પટેલ તેમજ પુત્ર ભદ્રેશ પટેલ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે અને ફરાર આરોપીઓની શોધખોળ હાથ ધરવામાં આવી છે.

2 દિવસ પહેલા ભાવનગરમાં મહિલા પોલીસ કર્મીના પુત્રની કરાઈ હત્યા

ભાવનગર શહેરમાં ધોળે દિવસે મહિલા પોલીસ કર્મીના પુત્રની હત્યાનો બનાવ થોડા દિવસ પહેલા સામે આવ્યો હતો. શહેરના પંચવટી ચોકથી ઘોઘા જકાત જવાના રસ્તા ઉપર બે શખ્સોએ તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી પોલીસ પુત્રની કરપીણ હત્યા કરી ફરાર થઈ ગયા હતા. ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને આગળની તપાસ હાથ ધરી હતી.

  • Follow us on: