- કલેકટરે આદેશ કરતા ઉના નગરપાલિકા દ્રારા ગેરકાયદેસર બાંધકામ તોડી પડાયુ
- અનાજના ગોડાઉનમાં રેડ કરવાની સાથે દારૂની બોટલો પણ મળી આવી હતી
- ગેરકાયદેસર જગ્યા પર બિલ્ડીંગ ઉભુ કરી દેતા કરાઈ મોટી કાર્યવાહી
ગીર સોમનાથના ઉના શહેરમાં બે દિવસ પહેલા જિલ્લા કલેકટરના આદેશથી જિલ્લા પુરવઠા અધિકારી તેમજ ઉના પ્રાંત અધિકારી તેમજ મામલતદારે ઉનાના ધૂળકોટિયા વિસ્તારમાં પાણી ટાંકા પાસે આવેલ ગેરકાયદેસર બાંધકામ કરેલ ગોડાઉનમાં રેડ કરી હતી આ રેડ દરમિયાન શંકાસ્પદ અનાજના 194 કટ્ટા તેમજ વિદેશી દારૂની 1353 બોટલ મળી આવી હતી.
કલેકટરે કર્યો આદેશ
રેડન નાં ૪૮ કલાકમાં જિલ્લા કલેકટર દ્વારા ગોડાઉન ગેરકાયદેસર દબાણો કરી ઊભું કરાયેલ હોવાની વિગતો બહાર આવતાં જિલ્લા કલેકટર ડી.ડી.જાડેજા ના આદેશ બાદ નાયબ કલેકટર ચિરાગ હિરવાણીયા તેમજ મામલતદાર ભીમાણી સ્થળ પર હાજર રહીને ઊના નગરપાલિકાનાં ચીફ ઓફિસર અને કર્મચારીઓની ઊપસ્થિત માં ગેરકાયદેસર દબાણો કરેલ ગોડાઉનને ડીમોલેશન કરી તોડી નાંખતા ભારે ચકચાર ફેલાઇ ગઇ છે.

અનાજ પુરવઠાની સાથે દારૂ પણ ઝડપાયો
મોટાં પ્રમાણમાં અનાજ પુરવઠો અને દારૂ ઝડપાયા બાદ નાશી છૂટેલા શખ્સની શોધખોળ શરૂ કરી હતી આ શખ્શ ઝડપાયા બાદ આ ગોડાઉન કોણે બનાવ્યું હતું? તેમજ આ અનાજનો શંકાસ્પદ જથ્થો કોણ ભેગું કરતું હતું? દારૂનો જથ્થા પાછળ કોનું કનેક્શન છે? ક્યાંથી અને કોણ લાવ્યું હતું ક્યાં મોકલવાનો હતો? તે બાબતે જિલ્લા કલેકટર દ્વારા જેતે વિભાગને તપાસ કરી સત્ય હકીકત બહાર લાવવા સૂચના આપી હતી ડીમોલેશન કરાયેલી જગ્યા 125 ચોરસ મીટર જમીન ખુલ્લી કરાઈ હતી તેની અંદાજીત બજાર કિંમત રૂપિયા ૨૦ લાખ હોવાનું અધિકારીએ જણાવ્યું હતુ.રાજ્ય સરકાર દ્વારા સાર્વજનિક હેતું માટે અનામત રાખેલ જગ્યા નગરપાલિકાને વપરાશના હેતુંથી આપી હતી.
જમીન કરાઈ ખુલ્લી
તાલુકા નાયબ કલેકટર ચિરાગ હિરવાણીયા એ જણાવ્યું હતું કે જિલ્લા કલેકટર દિગ્વિજયસિંહ જાડેજાએ આ જગ્યા માનવની ઓછી અવર જવર થતી જગ્યાએ આવેલી હોય અને ભવિષ્યમાં ફરી વખત દુર ઉપયોગ ન થાય તેની સંભાવનાને ધ્યાને રાખીને સૂચનાઓ આપતાં ડીમોલેશન નાયબ કલેકટરની હાજરીમાં કરીને ગોડાઉન જમીન દોસ્ત કરી જમીન ખુલ્લી કરી નાખવામાં આવી હતી.