- ઈન્ડિયન પ્રીમિયર લીગની 17મી સિઝન ટૂંક સમયમાં પૂરી થશે
- IPL 2024ની વિજેતા ટીમ પર પૈસાનો વરસાદ થશે
- પ્લેઓફમાં પહોંચનારી તમામ ટીમોને કરોડો રૂપિયા મળશે
ઈન્ડિયન પ્રીમિયર લીગની 17મી સિઝન ટૂંક સમયમાં પૂરી થશે. ફાઈનલ મેચ 26 મેના રોજ કોલકાતા નાઈટ રાઈડર્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચે રમાશે. આ વખતે નિર્ણાયક મેચ ચેન્નાઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં રમાશે. આ સિઝનમાં શાનદાર પ્રદર્શન કરનાર કોલકાતા નાઇટ રાઇડર્સ ક્વોલિફાયર-1 જીતીને ફાઇનલમાં પહોંચી હતી. હૈદરાબાદે ક્વોલિફાયર-2માં રાજસ્થાન રોયલ્સને હરાવીને ફાઇનલમાં સ્થાન મેળવ્યું હતું. હવે આ સિઝનની વિજેતા ટીમ રવિવારે જાણી શકાશે.
IPLની પ્રોઇઝ મની PSL કરતા 5 ગણી વધારે
IPL 2024ની વિજેતા ટીમ પર પૈસાનો વરસાદ થશે. માત્ર વિજેતા જ નહીં પરંતુ પ્લેઓફમાં પહોંચનારી તમામ ટીમોને કરોડો રૂપિયા મળશે. IPL 2024ની વિજેતા ટીમને પાકિસ્તાન સુપર લીગ (PSL)ની વિજેતા ટીમ કરતાં લગભગ 5 ગણી વધુ ઈનામી રકમ મળશે. IPL અને PSL ની ઘણીવાર સરખામણી કરવામાં આવે છે, પરંતુ બંને લીગની ઈનામી રકમમાં ઘણો તફાવત છે. માત્ર ઈનામી રકમમાં જ નહીં પરંતુ અન્ય બાબતોમાં પણ આઈપીએલ પાકિસ્તાનની લીગ કરતાં ઘણી સારી છે.
RCBને 6.5 કરોડ રૂપિયા મળશે
કોલકાતા નાઈટ રાઈડર્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચે આઈપીએલ ફાઈનલમાં જે પણ ટીમ જીતશે તેને 20 કરોડ રૂપિયા મળશે. રનર અપ ટીમને 13 કરોડ રૂપિયા આપવામાં આવશે. આ સિવાય ત્રીજા સ્થાને રહેલી રાજસ્થાન રોયલ્સને 7 કરોડ રૂપિયા અને ચોથા સ્થાને રહેલી રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને 6.5 કરોડ રૂપિયા આપવામાં આવશે. એટલું જ નહીં ઓરેન્જ કેપ અને પર્પલ કેપ વિજેતા ખેલાડીઓને 15-15 લાખ રૂપિયા આપવામાં આવશે.
WPLની પ્રાઈઝ મની પણ PSL કરતા વધુ
બીજી તરફ પાકિસ્તાન સુપર લીગ જીતનારી ટીમને લગભગ 4.13 કરોડ ભારતીય રૂપિયા મળે છે. એટલું જ નહીં PSLની રનર્સઅપ ટીમને ઈનામી રકમ તરીકે 1.65 કરોડ ભારતીય રૂપિયા આપવામાં આવે છે. વિમેન્સ પ્રીમિયર લીગ (WPL)ની ઈનામી રકમ પણ PSL કરતા વધુ છે. WPL વિજેતા રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને આ વખતે 6 કરોડ રૂપિયા અને રનર્સઅપ દિલ્હી કેપિટલ્સને 3 કરોડ રૂપિયા મળ્યા છે.