મહેસાણાના ઉંઝામાં રિક્ષા ગેંગે મુસાફરોને બેસાડી ચોરી કરી તરખાટ મચાવ્યો હતો. એક જ દિવસમાં ઉંઝામાં ત્રણ ત્રણ જગ્યાએથી પેસેન્જર બેસાડી સોનાના દાગીના સેરવી લેવાની ફરિયાદો નોંધાઈ હતી. જે ઘટના બનતા જ પોલીસ દોડતી થઈ અને રીક્ષા ગેંગના 3 ઈસમોને પકડી જેલ હવાલે કરી દીધા છે.


રીક્ષામાં બેસાડી પેસેન્જરના દાગીના લૂંટી લેવાયા હતા

અવાર નવાર રીક્ષામાં મુસાફરી તમે કરતા હોય તો જરા ચેતી જજો. એમાંય ખાસ કરીને મહિલાઓ કે જે સોનાના દાગીના પહેરી અને બજારમાં કોઈ કામ અર્થે રીક્ષામાં જતા આવતા હોય તે ખાસ ચેતજો. મહેસાણા ઊંઝામાં એક એવી રીક્ષા ગેંગ કે જેણે એક જ દિવસમાં ત્રણ ત્રણ જગ્યાએ મુસાફરો બેસાડી ગેંગના વ્યક્તિઓ પણ મુસાફરો બની સોનાના દાગીના સરકાવી ગઈ હતી. જે ઘટનામાં ત્રણ અલગ અલગ ફરિયાદો નોંધાતા જ ઊંઝા પોલીસ અને મહેસાણા લોકલ ક્રાઈમ બ્રાન્ચ પોલીસે સીસીટીવી સહિત તપાસ હાથ ધરી હતી, જેમાં રિક્ષામાં રીક્ષા ચાલક અને મુસાફરના સ્વાંગમાં બેઠેલી તેમના જ ગેંગની વ્યક્તિની પોલીસે તપાસ કરતા આ ગેંગના બે શખ્સો ઝડપાઈ ગયા છે.

પોલીસે આરોપીની ધરપકડ કરવા ચક્રો ગતિમાન કર્યા

રીક્ષા ગેંગના બે શખ્સો મહેસાણા રામોસણા બ્રિજ પાસેથી ચોરી કરેલી સોનાની બંગડી, સોનાનો દોરો, સોનાનું પેન્ડલ અને મોબાઈલ તેમજ કટર સાથે પકડાઈ ગયા છે. રીક્ષા ગેંગના સલમાન ગુલામ નબી વોરા અને સલમાન ઉર્ફે સલ્લુ કયુમખાન પઠાણ જે બંને ખેડાના રહેવાસીની પોલીસે ધરપકડ કરી લીધી છે તો રમેશ ઉર્ફે ભોટી દેવીપુજક અને અન્ય એક સ્ત્રી ફરાર છે, જેની પોલીસે ધરપકડ કરવા ચક્રો ગતિમાન કર્યા છે.

પોલીસે રૂ.5.40 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો

ડિટેક્ટ થયેલા ત્રણેય ગુના ઊંઝામાં બન્યા હતા. એક જ દિવસમાં ત્રણ ગુના બનતા પોલીસ પણ દોડતી થઈ ગઈ હતી. સમગ્ર ઘટનામાં આરોપી પાસેથી સોનાની બંગડી જેની કિંમત 2.80 લાખ, સોનાનો દોરો નંગ 1 રૂ.1.40 લાખ, સોનાનું પેન્ડલ રૂપિયા 20,000, મોબાઈલ અને લોકોના ખિસ્સા અને સોનાના દાગીના કાપવાનું કટર અને રીક્ષા સહિત કુલ રૂપિયા 5.40 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે અને ફરાર બીજા બે આરોપીઓની શોધખોળ શરૂ કરી છે.

  • Follow us on: