વડોદરામાં તોડ કરતા બે નકલી પોલીસ ઝડપાયા હોવાના સમાચાર સામે આવ્યા છે. બંન્ને આરોપી પોલીસની ઓળખ આપી તોડ કરતા હોવાનું સામે આવ્યું છે. ફરિયાદીને પોલીસની ઓળખ આપી ધમકી આપી હતી અને 20 હજારનો તોડ કરી ફરાર થયા હતા. પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે. 


મળતી માહિતી મુજબ,  વડોદરાના મકરપુરા પોલીસ મથક વિસ્તારમાં રોફ ઝાડીને નકલી પોલીસ બનીને પૈસા પડાવતા બે ઇસમોનો પોલીસે દબોચી લીધા છે. બંનેએ નિર્દોષ વ્યક્તિની ફેંટ પકડીને શું ખોટા ધંધા કરો છો, તમને કેસમાં ફસાવી દેવામાં આવશે, તેમ કહીને બાનમાં લીધો હતો. ત્યાર બાદ તેની પાસેથી ઓનલાઇન રૂ. 20 હજાર પડાવી લેવામાં આવ્યા હતા. તે બાદ તેને લાફા ઠોકી દેવામાં આવ્યા હતા. આખરે મામલે પોલીસ ફરિયાદ નોંધાતા બંનેને દબોચી લેવામાં આવ્યા છે. અને બંને સામે વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.

એક આરોપી સામે ચાર ગુના નોંધાયેલા 

આ ઘટનામાં આરોપી વિજયસિંહ સામે અગાઉ મહિસાગર જિલ્લાના ખાનપુરા પોલીસ સ્ટેશન - 1, માંજલપુર પોલીસ સ્ટેશન - 2 અને મકરપુરા પોલીસ સ્ટેશન - 1 ગુનો મળીને ચાર ગુના નોંધાયા છે. પોલીસ દ્વારા જણાવાયું છે કે, કોઇ પણ વ્યક્તિ પોલીસની ઓખળ આપીને પૈસા અથવા કિંમતી વસ્તુ પડાવે તો તુરંત પોલીસ મથક અથવા તો 100 નંબર પર ફોન કરવો.

શું હતો સમગ્ર મામલો?

16 માર્ચના રોજ અઢી વાગ્યે ફરિયાદી મિલિંદ ભૂપેન્દ્રભાઇ ગાંગુડે તેના મિત્ર દેવભાઇ સાથે બાઇક લઇને તરસાલી બ્રિજથી આજવા બ્રિજ તરફ જતા હાઇવે પર એક ઝૂંપડા પાસે ઉભા હતા. દરમિયાન પોલીસની ઓળખ આપીને વિજયસિંહ પ્રવિણસિંહ રાઠોડ અને મયંક માલી ત્યાં આવ્યા હતા. અને અચાનક ફરિયાદીની ફેંટ પકડીને જણાવ્યું કે, અહિં કેમ તમે આવ્યા છો, શું ખોટા ધંધા કરો છો, બાદમાં ફરિયાદીને ખોટા કેસમાં ફસાવી દઇશ તેમ જણાવીને ખોટો ભય ઉભો કર્યો હતો. બાદમાં બળજબરી પૂર્વક ફરિયાદી પાસેથી રૂ. 20 હજાર ઓનલાઇન ટ્રાન્સફર કરાવી લેવામાં આવ્યા હતા. ત્યાર બાદ તેના મિત્ર પાસેથી રૂ. 70 લઇ લેવામાં આવ્યા હતા.

  • Follow us on: