છેલ્લા કેટલાક સમયથી રાજ્યના મહાનગરોમાં સિરપના નામે યુવાઓને નશાના રવાડે ચડાવવાનું જાણે કે કૌભાંડ  ચાલતુ હોય તેવો ઘાટ સર્જાયો છે. રાજકોટ હોય કે ભાવનગર, કે હોય વડોદરા મહાનગરોમાં બેફામ ખુલ્લેઆમ, સિરપના નામે નશાના વેપારનું ષડયંત્ર ચાલી રહ્યું છે. યુવાઓ આવી સિરપના રવાડે ચડીને નશો કરે છે અને બરબાદીના રસ્તે ધકેલાય છે. ત્યારે વડોદરામાં દવાની આડમાં નશીલી કફ સીરપ વેચવાના કૌભાંડનો પર્દાફાશ થયો છે. 


મળતી માહિતી મુજબ,  SOGએ બાતમીના આધારે રતિલાલ પાર્કમાં મકાન નંબર A/50 માં દરોડા પાડ્યા હતા. દરોડા દરમિયાન દવાની આડમાં નસીલી કફ સીરપ વેચવાનું કૌભાંડનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. વિપુલ રાજપૂતના મકાનમાંથી કુલ 2570 નંગ કોડિન કફ સીરપની બોટલનો જથ્થો મળી આવ્યો છે.  એસ ઓ જી પોલીસે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ તેમજ એફએસએલની મદદ લીધી છે. નશાકારક કોડીન કફ સીરપનો 5 લાખ 78 હજારનો જથ્થો સિઝ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. 

આરોપી વિપુલ રાજપુત વાઘોડિયા રોડ ગાયત્રી મંદિર પાસે ઓકલેન્ડ ફાર્મસી નામની દુકાન ધરાવે છે. આરોપી કેયુર રાજપુત ખટંબા અર્બન રેસીડેન્સીમાં મેડિકલ સ્ટોર ધરાવે છે. બંને આરોપીઓ ભેગા મળી નશો કરવાવાળા ગ્રાહકોને સીરપનો ગેરકાયદેસર રીતે વેચાણ કરતા હતા. આરોપી કેયુર રાજપૂત સામે અગાઉ આણંદ ભાલેજ પોલીસ મથકમાં એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધાયો છે. એસઓજી પોલીસે કુલ 7 લાખ 89 હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. SOGએ બંને આરોપીઓને નામદાર કોર્ટમાં રજૂ કરતા 6 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. નશીલી કફસિરપના કૌભાંડને લઇને SOG દ્વારા આરોપીઓની પૂછપરછ કરીને અનેક ખુલાસાઓ કરી શકે છે.

  • Follow us on: