રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે તારીખની જાહેરાત ચૂંટણી પંચ દ્વારા કરી દેવામાં આવી છે. ત્યારે વલસાડ જિલ્લાની નગરપાલિકાની આગામી ચૂંટણી માટે રાજકીય પક્ષો દ્વારા ઉમેદવારો પસંદ કરવાની પ્રક્રિયા હાથ ધરાઈ છે. ભાજપમાં ફોર્મ લઈ ભરવાની પ્રક્રિયા હાથ ધરાઈ હતી.


96 બેઠક માટે અધધ 404 દાવેદારોએ ટિકિટ માગી

જેમાં વલસાડ, પારડી અને ધરમપુર નગરપાલિકાની 96 બેઠક માટે ભાજપમાંથી અધધ 404 દાવેદારોએ ટિકિટ માગી છે. ત્યારે જિલ્લા પ્રમુખે કાર્યકરોનો ઉત્સાહ જોઈ ત્રણે પાલિકા જીતવાનો દાવો કર્યો છે. જિલ્લામાં ત્રણ નગરપાલિકામાં વલસાડમાં સૌથી વધુ 183, પારડીમાં 106 અને ધરમપુર પાલિકામાં 115 દાવેદારોએ ફોર્મ ભર્યા છે. વલસાડ જિલ્લામાં ભાજપે ચૂંટણી જાહેરાત થયા બાદ તાત્કાલિક તૈયારીઓ શરૂ કરી છે.

આખરી નિર્ણય પાર્લામેન્ટ્રી બોર્ડ જ લેશે

ત્રણેય પાલિકા જીતવાની ઘોષણા પણ કરી દીધી છે, ત્યારે જિલ્લામાં હજુ અન્ય પક્ષો પણ તૈયારી કરી રહ્યા છે. ત્યારે ભાજપમાં આટલા અધધ દાવેદારોનો રાફડો ફાટતા ક્યાંકને ક્યાંક ટિકિટને લઈ વિવાદ થાય અથવા વિખવાદ ઉભો થાય તો નવાઈ નહીં. જોકે દાવેદારો કેટલા પણ હોય ટિકિટ આપવાનો નિર્ણય તો પાર્લામેન્ટ્રી બોર્ડ જ લેશે. પરંતુ ટિકિટ ઈચ્છુકોમાં ભારે ઉત્સાહ જોઈ ભાજપ સંગઠન પણ ગેલમાં આવી ગયું છે.

  • Follow us on: