વલસાડ જિલ્લાની વાપી મહાનગર પાલિકાએ ચાલુ વર્ષે ₹640 કરોડના બજેટની જાહેરાત કરી છતાં શહેરમાં વિકાસના કામોના દાવા વચ્ચે ટાંકી ફળિયા જેવા વિસ્તારો હજુ પણ પછાત સ્થિતિમાં છે. વાપી મનપાના વોર્ડ નંબર 7માં આવેલા ટાંકી ફળિયા વિસ્તારના રસ્તાઓ પર મોટા ખાડાઓ પડ્યા છે.કમોસમી વરસાદમાં પાણી ભરાવાથી નાગરિકો અને રાહદારીઓને મુશ્કેલીનો સામનો કરવો પડે છે.
રેલવે સ્ટેશન નજીક મુખ્ય માર્ગ પર RCC રોડનું કામ ચાલી રહ્યું છે
વાપીમાં વિવિધ વિસ્તારોમાં વિકાસના કામો ચાલી રહ્યા છે. ત્યારે વાપી ગીતાનગર વિસ્તારમાં રેલવે સ્ટેશન નજીક મુખ્ય માર્ગ પર RCC રોડનું કામ ચાલી રહ્યું છે. કોન્ટ્રાક્ટર દ્વારા ટ્રાફિક માટે ડાયવર્ઝન અપાયુ છે. ટાંકી ફળિયાના રોડની યોગ્ય મરામત ન થતાં વાહનચાલકો પરેશાન છે.આ માર્ગ પરથી વિદ્યાર્થીઓ, નોકરીયાતો અને રોજિંદા મુસાફરો પસાર થાય છે.રસ્તાઓની ખરાબ સ્થિતિથી જનજીવન પ્રભાવિત થયું છે.
વાહનચાલકોની સલામતી જોખમમાં મુકાઈ
બિસ્માર માર્ગને લઇ સ્થાનિકો રહીશો અને વાહન ચાલકોએ જણાવ્યું હતું કે મહાનગરપાલિકા બન્યા પછી સારી સુવિધાઓની આશા હતી.પરંતુ ટાંકી ફળિયા સહિત અનેક વિસ્તારો હજુ પણ વિકાસથી વંચિત છે.કમોસમી વરસાદમાં જ રસ્તાઓ પર પાણી ભરાઈ જાય છે.મોટા ખાડાઓ અને ગટરના પાણીના ભરાવાથી પગપાળા ચાલનારા તેમજ વાહનચાલકોની સલામતી જોખમમાં મુકાઈ છે.ત્યારે ચોમાસામાં શુ પરિસ્થિતિ થશે તેની કલ્પના માત્રથી સ્થાનિક લોકોની ઊંઘ ઊડી ગઈ છે.
રસ્તા પર ખાડા છે કે ખાડામાં રસ્તા છે એ નથી સમજાતુ
લોકો ટાંકી ફળિયા માંથી પસાર થાય છે ત્યારે રસ્તા પર ખાડા છે કે ખાડામાં રસ્તા છે એજ તેઓને ખબર નથી પડતી વાહન ચાલકો વાહનો ક્યાં ચલાવવા એની મૂંઝવણમાં છે.વાપીના સ્થાનિકો રાહદારીઓએ માંગ કરી છે કે ₹640 કરોડના બજેટમાંથી ટાંકી ફળિયા અને આવા અન્ય વિસ્તારોમાં ચોમાસા પહેલાં રસ્તાઓની મરામત કરવામાં આવે જેથી લોકોને મુશ્કેલીઓ માંથી રાહત મળે.