બનાસકાંઠાના વાવમાં યોજાયેલી પેટાચૂંટણીના પરિણામોનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. આ માટે ચૂંટણી વિભાગે તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે મતોની ગણતરી સવારે 8 વાગ્યે શરૂ થશે, જેમાં સૌથી પહેલા પોસ્ટલ બેલેટની ગણતરી શરૂ થશે. આ પછી ઈવીએમના મતોની ગણતરી કરવામાં આવશે. અહીં, પરિણામો પહેલા, ફલોદી સટ્ટા બજારે વાવ બેઠક માટે તેની નવીનતમ આગાહી આપી છે.
ફલોદી સટ્ટા બજારના તાજેતરના મૂલ્યાંકન મુજબ, વાવ બેઠક ભાજપના ખાતામાં જઈ શકે છે. ભાજપ 6 થી 7 હજારની લીડથી આ બેઠક જીતી શકે છે. જેને લઈને કોંગ્રેસના ઉમેદવાર ગુલાબસિંહ રાજપૂત અને અપક્ષના ઉમેદવાર માવજીભાઈ પટેલની ચિંતા વધી છે.
કોંગ્રેસ-અપક્ષને આંચકો લાગી શકે છે
ફલોદી સટ્ટા બજારના મૂલ્યાંકન મુજબ વાવ બેઠકમાં ભાજપની જીત થઈ શકે છે ભાજપ 6 થી 7 હજાર વોટના માર્જીનથી જીતી શકે છે. જો પરિણામ ભાજપ તરફી આવશે તો કોંગ્રેસને આ બેઠક ગુમાવવી પડશે, જ્યારે અપક્ષના માવજીભાઈ પટેલનો આત્મવિશ્વાસ તૂટી જશે. વાવ વિધાનસભાની બેઠક કોંગ્રેસનો ગઢ માનવામાં આવે છે. જો ભાજપ આ બેઠક કબ્જે કરી લેશે તો કોંગ્રેસના ગઢમાં ગાબડુ પડશે.
વાવ વિધાનસભા બેઠક પર ત્રિપાંખીયો જંગ
વાવ વિધાનસભા બેઠકથી 2022માં ચૂંટાયેલ ગેનીબેન ઠાકોર હવે લોકસભાનાં સાંસદ બની ગયાં હોવાથી આ બેઠક પર પેટાચૂંટણી યોજાઈ હતી. કોંગ્રેસ તરફથી ગુલાબસિંહ રાજપૂત તથા ભાજપ તરફથી સ્વરૂપજી ઠાકોર ચૂંટણી મેદાનમાં છે. પરંતુ ભાજપના પૂર્વ નેતા માવજી પટેલે પણ અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણીજંગમાં ઝુકાવતાં આ જંગ ત્રિપાંખિયો બન્યો હતો. કોંગ્રેસના ઉમેદવાર ગુલાબસિંહ રાજપૂત થરાદ વિધાનસભાના ભૂતપૂર્વ ધારાસભ્ય રહી ચૂકેલા છે તથા 2022માં તેઓ એ જ બેઠક પરથી ચૂંટણી હારી ગયા હતા. તેઓ હવે વાવથી પેટાચૂંટણી લડ્યા હતા. વાવની બેઠક પરંપરાગત રીતે કોંગ્રેસનો ગઢ મનાતી રહી છે. અહીં 2007 અને 2012 સિવાય ભાજપના ઉમેદવાર જીતી શક્યા નથી. આ વિસ્તારમાં ભાજપના નેતા શંકર ચૌધરી તથા કોંગ્રેસનાં નેતા ગેનીબેન ઠાકોરનો જબરદસ્ત પ્રભાવ હોવાથી પણ આ ચૂંટણીજંગ રોચક બન્યો હતો.
નોંધ: ‘સંદેશ વેબસાઈટ’ આ મૂલ્યાંકનને સમર્થન આપતું નથી. ‘સંદેશ વેબસાઈટ’ને હંમેશા ચૂંટણી પંચના સત્તાવાર ડેટા પર વિશ્વાસ રહ્યો છે.