કારગિલ યુદ્ધ વિશે ભારતીય સેનાને સૌપ્રથમ માહિતી આપનાર તાશી નામગ્યાલે દુનિયાને અલવિદા કહી દીધું. લદ્દાખમાં તેમનું અવસાન થયું. કોણ છે. તાશી નામગ્યાલ અને દેશની સેવામાં તેમણે શું ભૂમિકા ભજવી? 


વર્ષ 1999માં ભારતીય સેનાને કારગિલ યુદ્ધ વિશે ખબર મોકલનાર પ્રથમ વ્યક્તિ તાશી નામગ્યાલએ લદ્દાખની આર્યન ખીણમાં સ્થિત ગારખોનમાં અંતિમ શ્વાસ લીધા હતા. આ વર્ષની શરૂઆતમાં તેમણે તેમની શિક્ષક પુત્રી સેરિંગ ડોલકર સાથે 25માં કારગિલ વિજય દિવસમાં ભાગ લીધો હતો.

પાકિસ્તાની સૈન્યને બંકરો ખોદતાં જોયા

તાશી નામગ્યાલ લદ્દાખના રહેવાસી હતા. તે ભરવાડ હતો. મે 1999માં તેના ગુમ થયેલા યાક્ની શોધ કરતી વખતે તાશી નામગ્યાલે પાકિસ્તાની આર્મીના સૈનિકોને બટાલિક પર્વતમાળા પર બંકરો ખોદતા જોયા હતા. આ અંગે તેમણે દેશની સેવામાં મહત્વની ભૂમિકા ભજવતા ભારતીય સેનાને એલર્ટ કરી હતી. તેઓ ભારતીય સેનાને કારગિલ યુદ્ધની માહિતી આપનાર પ્રથમ વ્યક્તિ હતા.

નામગ્યાલની સતર્કતા ભારતની જીતમાં મહત્વપૂર્ણ સાબિત થઈ

તાશી નામગ્યાલને 1999ના કારગિલ યુદ્ધ દરમિયાન ભારતીય સેનાને પાકિસ્તાની ઘૂસણખોરી વિશે ચેતવણી આપવામાં મહત્વની ભૂમિકા ભજવવા બદલ સન્માનિત કરવામાં આવ્યા હતા.  3 મે થી 26 જુલાઈ 1999 સુધી એમ 2 મહિના અને 24 દિવસ ચાલેલા કારગિલ યુદ્ધમાં ભારતીય સૈનિકોએ ઝડપથી દળોને એકત્ર કર્યા અને શ્રીનગર-લેહ હાઈવેને કાપી નાખવાના પાકિસ્તાની મિશનને નિષ્ફળ બનાવ્યું હતું.  ત્યારે નોંધનીય છે કે નમગ્યાલની સતર્કતા ભારતની જીતમાં મહત્વપૂર્ણ સાબિત થઈ હતી. જેના કારણે તેમને એક પરાક્રમી ભરવાડ તરીકેની ઓળખ મળી.

ફાયર એન્ડ ફ્યુરી કોર્પ્સે આપી શ્રદ્ધાંજલિ

તાશી નામગ્યાલનું લદ્દાખની આર્યન ખીણમાં અવસાન થયું. ભારતીય સેનાની લેહ સ્થિત ફાયર એન્ડ ફ્યુરી કોર્પ્સે તાશી નામગ્યાલને શ્રદ્ધાંજલિ આપી હતી. તેણે X પર પોસ્ટ કરીને કહ્યું કે ફાયર એન્ડ ફ્યુરી કોર્પ્સ તાશી નમગ્યાલને તેમના આકસ્મિક નિધન પર શ્રદ્ધાંજલિ અર્પે છે. એક દેશભક્ત ગયો. 1999ના ઓપરેશન વિજય દરમિયાન રાષ્ટ્ર માટે તેમનું અમૂલ્ય યોગદાન સુવર્ણ અક્ષરોમાં અંકિત રહેશે. દુઃખની આ ઘડીમાં તેઓ શોકગ્રસ્ત પરિવાર પ્રત્યે ઊંડી સંવેદના વ્યક્ત કરે છે.

  • Follow us on: