ભારત સહિત વિશ્વભરમાં દર વર્ષે 8 માર્ચનો દિવસ મહિલા દિન તરીકે ઉજવાય છે. મહિલાઓના સંઘર્ષ અને શક્તિના પ્રતીક તરીકે આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. મહિલાઓ ફક્ત ઘરના કામ જ કરે તેવી માન્યતાનો આ મહિલાઓએ છેદ ઉડાડ્યો છે. ફકત ઘર જ નહીં પરંતુ સમાજ અને રાષ્ટ્રના વિકાસમાં મહિલાઓ પણ મહત્વનું યોગદાન આપે છે તેમજ પોતાના 'સમ્માન સામે નહીં કોઈ સમાધાન' તે આ સાહસિક મહિલાઓએ સાબિત કર્યું છે. આવો, Women's day પર જાણીએ આ સાહસિક મહિલાઓની સંઘર્ષગાથા. આ સાહસિક મહિલાઓ અન્ય માટે પણ પ્રેરણારૂપ છે.


માતા સીતા

વાલ્મીકી રચિત રામાયણ કાવ્યમાં માતા સીતાનું પાત્ર સાદગીનું પ્રતિક છે. માતા સીતા ધરતીમાંથી જ આવ્યા અને ધરતીમાં જ સમાયા. રાજા જનકના પુત્રી સીતા બાળપણથી જ સાહસિક હતા. બાલ્યાવસ્થામાં તેમણે ભગવાન પરશુરામના ધનુષ્યને ઉચકી તેનો ઘોડો બનાવી રમત કરી હતી. અને એટલે જ જનકરાજાએ સીતાના સ્વયંવર વખતે પરશુરામના ધનુષ ઉંચકી તેના પર જે પ્રત્યંચા ચડાવશે તે રાજા સાથે જ સીતાના લગ્ન કરાશે તેવી શરત મૂકી હતી. ભગવાન રામે આ શરત પૂર્ણ કરી અને જાનકીના પુત્રી અયોધ્યાના રાણી બન્યા. પરંતુ સમયનું ચક્ર બદલાયું અને માતા સીતા રામ અને લક્ષ્મણ સાથે 14 વર્ષના વનવાસે નીકળ્યા. વનવાસ દરમિયાન રાક્ષસ રાજ રાવણે કપટથી સીતાનું હરણ કર્યું અને લંકા લઈ ગયા.રામે સીતાને શોધવા નીકળ્યા ત્યારે સુગ્રીવ સાથે મુલાકાત થઈ. અને જાણવા મળ્યું કે લંકાના રાજા રાવણે સીતાનું અપહરણ કર્યું છે. એટલે સુગ્રીવની વાનરસેનાનો સાથ લઈ રામ ભગવાને લંકા પર ચઢાઈ કરી રાવણને હરાવ્યો અને માતા સીતાને પાછા મેળવ્યા. રામ, લક્ષ્મણ અને સીતા 14 વર્ષનો વનવાસ પૂર્ણ કરી અયોધ્યા પાછા ફર્યા. ત્યારે એક ધોબીએ સીતાના સતીત્વને લઈને સવાલ ઉઠાવતાં સીતાને ફરી વનમાં જવું પડયું. ત્યાં વનમાં સીતાએ લવ અને કુશને જન્મ આપ્યા બાદ તેઓ મોટા થયા. અને ફરી પુત્રો થકી ભગવાન રામ સાથે ભેટો થયો. ત્યારે ફરી માતા સીતાના સતીત્વ પર સવાલ થયો. આ વખતે સમ્માન સામે સવાલ ઉઠતાં માતા સીતા ધરતી માતાને પોકાર કર્યો અને પાછા ધરતીમાં સમાઈ ગયા.

દ્રૌપદી

હિંદુઓના ધર્મગ્રંથ મહાભારત કાવ્યનાં સૌથી પ્રસિદ્ધ પાત્રૌ પૈકી એક દ્રૌપદી છે. પાંચાલ રાજા દ્રુપદના પુત્રી દ્રૌપદી શચીના અંશથી યજ્ઞકુંડમાંથી ઉત્પન્ન થયા હતા. પાંડવોની પત્ની દ્રૌપદીને પાંચાલી અને યજ્ઞસેની તરીકે પણ ઓળખવામાં આવે છે. પાંડવો દ્યૂત ક્રિડામાં પત્ની દ્રૌપદીને હારી જતાં દુર્યોધન અને દુઃશાસન દ્વારા હસ્તિનાપુરના રાજસભામાં ચીરહરણ કરી ઘોર અપમાન કરવામાં આવ્યું હતું. ત્યારે ભગાવન કૃષ્ણે દ્રૌપદીના ચીર પુરી પોતાની મિત્ર અને ભક્તની લાજ બચાવી હતી. પરંતુ પોતાના સમ્માન પર હાથ નાખનાર દુરાધમોને નષ્ટ કરવા દ્રૌપદીએ પ્રતિજ્ઞા કરી હતી. જ્યાં સુધી તે દુઃશાસનની છાતીનું લોહી તેના પર વાળ પર નહીં લગાવે ત્યાં સુધી તે તેના વાળ ખુલ્લા જ રાખશે બાંધશે નહીં.પાંડવોએ દ્રૌપદીનું ચીરહરણ કરનારા દુઃશાસન અને દુર્યોધનને યુદ્ધમાં હરાવી દ્રૌપદીની પ્રતિજ્ઞા પૂર્ણ કરી હતી. મહાભારત કાવ્યનું દ્રૌપદીનું પાત્ર બતાવે છે કે મહિલાઓ પોતાનો અપમાન સામે પ્રતિકાર કરવો જ જોઈએ.

રાણી લક્ષ્મીબાઈ

'મેં અપની ઝાંરી નહીં દૂંગી' આ ઉક્તિથી આજે કોઈપણ અજાણ નથી. રાણી લક્ષ્મીબાઈનું નામ લેતાં જ પીઠ પાછળ પોતાના પુત્રને બાંધી અંગ્રેજો સામે યુદ્ધમાં લડતા દૃશ્ય તરીકે તરત ઉભરી આવે છે. રાણી લક્ષ્મીબાઈનો જન્મ કાશી (વારાણસી)માં થયો હતો. અંગ્રેજોએ પચાવી પાડેલ ઝાંસીનો કિલ્લો પાછો મેળવવા તેમણે પોતાની સેનામાં મહિલાઓની પણ ભરતી કરી અને તલવાર તેમજ ઘોડેસવારીનુ પ્રશિક્ષણ આપ્યું હતું. ઝાંસી પર અંગ્રેજોની નહીં પોતાની હકુમત છે અને પોતાનો અધિકાર મેળવવા તેઓ અંગ્રેજો સામે મેદાને પડ્યા હતા. ગ્વાલિયરમાં અંગ્રેજો સાથે યુદ્ધે ચઢેલા રાણી લક્ષ્મીબાઈનું 17 જૂન 1858ના રોજ મૃત્યુ થયું. જે સ્થાન પર રાણી લક્ષ્મીબાઈનું મૃત્યુ થયું ત્યાં ઝાંસીમાં આજે તેમનું સ્મારક પણ છે. 'ખૂબ લડી મર્દાની, વહ તો ઝાંસી વાલી રાની થી' આજે પણ કોઈપણ મહિલા જ્યારે બહાદુરીપૂર્વક લડે છે ત્યારે સ્વાભાવિક પણે લોકોના મનમાં તરત આ એક જ વાક્ય ઉભરી આવે છે.

રઝિયા સુલતાન

મુસ્લિમ ધર્મની ક્રાંતિકારી મહિલાનું બિરુદ જેને મળ્યું તે છે 'રઝિયા સુલતાન' રઝિયા સુલતાન મુસ્લિમ શાસકોમાં પ્રથમ મહિલા શાસક કહેવાય છે. રઝિયાએ 1236 થી 1240 દરમિયાન દિલ્હીની ગાદી પર શાસન કર્યું. રઝિયા સુલતાન કુશળ યોદ્ધા, તેજસ્વી, પ્રમાણિક અને ન્યાયપ્રિય શાસક હતી. પિતા ગ્વાલિયર પર યુદ્ધ કરવા ગયા ત્યારે થોડા સમય માટે રઝિયાને શાસનનું સુકાન સોંપ્યું. અને જયારે યુદ્ધ પરથી પાછા ફર્યા ત્યારે રઝિયાની રાજકીય કુનેહ જોયા બાદ પોતાની ઉત્તરાધિકારી તરીકે ઘોષિત કરી હતી. 1236માં રઝિયાએ રાજગાદી સંભાળી પરંતુ સાવકી માતા અને ભાઈ હંમેશા રઝિયાને હેરાન કરતા રહ્યા. આજે પણ જયારે અનેક મુસ્લિમ મહિલાઓ બુરખો પહેરે છે ત્યારે વર્ષો પહેલા રઝિયા પોતાનો ખુલ્લો ચહેરો રાખતી. તેના આ જ વ્યવહારને લઈને તેને મુસ્લિમ ક્રાંતિકારી મહિલા કહેવામાં આવી હતી. દિલ્હીની સત્તા સંભાળ્યા બાદ મુસ્લિમ શાસકો ઉપરાંત અન્ય હિન્દુ રાજાઓ સાથે સારા સંબંધો બનાવ્યા હતા. મુસ્લિમ ઉપરાંત હિન્દુ સંસ્કૃતિને પણ રઝિયા માન આપતી હતી. પરંતુ કેટલાક કટ્ટરમુસ્લિમ ધાર્મિક વડાઓએ રઝિયાની સાવકી માતા અને ભાઈ સાથે મળી ષડયંત્ર રચ્યું. અને રઝિયા અને તેના પતિ અલ્તુનિયાની ડાકુ દ્વારા હત્યા કરાવી. રઝિયાએ 35 વર્ષે દુનિયાને અલવિદા કહી.

સરોજિની નાયડુ

ભારતમાં 'હિંદની બુલબુલ' નું ઉપનામ મેળવનાર સરોજિની નાયડુ સ્વતંત્રતાની લડતના સેનાની છે. સરોજિની નાયડુ ભારતના પ્રથમ મહિલા રાજ્યપાલ હતા. ભારત સરકારે ૧૯૬૪માં તેમની સ્મૃતિમાં ૧૫ પૈસાની ટપાલ ટિકિટ બહાર પડી હતી. સરોજિની નાયડુનો જન્મ 13 ફેબ્રુઆરી 1879ના રોજ હૈદરાબાદના બ્રાહ્મણ કુટુંબમાં થયો હતો. સ્વતંત્રતા સેનાની સરોજની નાયડુએ અંગ્રેજો સામે લડત આપતા ભારતના વિવિધ ગામડાં અને શહેરોમાં રાષ્ટ્રવાદ પર પ્રવચનો આપ્યા હતા. એક મહિલા તરીકે આઝાદીની લડતમાં જોડાયેલા સ્વતંત્રતા સેનાનીએ અંગ્રેજોના મોટેગ્યુંચેમ્સ્ફર્ડનો સુધારા અને રોલેટ એક્ટનો ખૂબ વિરુદ્ધ કર્યો હતો. અંગ્રેજોનું ભારતીયો પ્રત્યેના કઠોર વર્તન અને અમાનુષી અત્યાચારના ના કારણે તેમણે ૧૯૨૦માં બ્રિટિશરોએ આપેલ ખિતાબ અને સુવર્ણચંદ્રક પરત કર્યા હતા. 2 માર્ચ 1949માં રાજ્યપાલના હોદ્દા પર હતા તે દરમિયાન તેમનું અવસાન થયું હતું.

રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુ

દેશના પ્રથમ આદિવાસી મહિલા રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુ ભારતના 15મા અને વર્તમાન રાષ્ટ્રપતિ તરીકે સેવા આપી રહ્યા છે. દ્રૌપદી મુર્મુ નો જન્મ 20 જૂન 1958ના રોજ ઓરિસ્સામાં થયો હતો. તેમને ભુવનેશ્વરની રમાદેવી મહિલા કોલેજમાંથી શાળાકીય શિક્ષણ મેળવ્યું હતું. 2014માં પતિનું અચાનક અવસાન થતાં દ્રૌપદી મૂર્મુએ અથાગ સંઘર્ષનો સામનો કરવો પડ્યો. છતાં પણ દરેક પડાકરનો સામનો કરી આગળ વધ્યા અને રાજકીય સફરનો આરંભ કરતા ભારતીય જનતા પાર્ટી (ભાજપ)સાથે જોડાયા. રાષ્ટ્રપતિપદના ઉમેદવાર બનતા પહેલા, તેઓ ઝારખંડના રાજ્યપાલ અને ઓડિશા સરકારમાં મંત્રી હતા. 25 જુલાઈ 2022 ના રોજ રાષ્ટ્રપતિ તરીકે શપથ લીધા બાદ અત્યાર સુધી દ્રૌપદી મૂર્મુ અથાગ પરિશ્રમ થકી દેશસેવામાં પોતાનું યોગદાન આપી રહ્યા છે.

ભારતમાં મોટાભાગે દરેક તહેવાર અને ઉત્સવોની ધામધૂમથી ઉજવણી થાય છે. ધાર્મિક તહેવારની સાથે રાષ્ટ્રીય તહેવારના દિવસે પણ વિશેષ આયોજનો હાથ ધરાતા હોય છે. તહેવારની જેમ હવે વુમન ડે દિવસની પણ ઉજવણી શરૂ થઈ છે. પરંતુ એક દિવસના સન્માન અને માનના બદલે પ્રત્યેક દિવસ આ ઉજવણી જરૂર કરવી જોઈએ.


  • Follow us on: