દર વર્ષે 8 માર્ચે આંતરરાષ્ટ્રીય વુમન્સ ડેની ઉજવણી કરવામાં આવે છે. આ દિવસ સમાજમાં મહિલાઓને સમાન અધિકારનું મહત્વ સમજાવવાનો દિવસ છે. ત્યારે આજે આપણે એ અધિકારોની વાત કરીએ કે જે દરેક મહિલાઓને તો ખબર હોવી જ જોઇએ.
સમાન વેતન મેળવવાનો અધિકાર
એક સમય હતો જ્યારે ભારતમાં મહિલાઓની ભૂમિકા ફક્ત ઘર પૂરતી મર્યાદિત હતી, પરંતુ આજના સમયમાં મહિલાઓ કામ કરી રહી છે અને દરેક ક્ષેત્રમાં પુરુષો સાથે ખભે ખભો મિલાવીને કામ કરી રહી છે. Equal Remuneration Act અનુસાર મહિલાઓને પુરુષો જેટલુ જ વેતન મેળવવાનો અધિકાર આપવામાં આવ્યો છે. વેતનમાં લિંગના આધારે કોઈ ભેદભાવ ન હોઈ શકે.
ઘરેલુ હિંસાથી રક્ષણનો અધિકાર
આ કાયદો ઘરમાં રહેતી કોઈપણ મહિલા જેમ કે માતા, પત્ની કે બહેન વગેરેને ઘરેલુ હિંસાથી બચાવવા માટે બનાવવામાં આવ્યો છે. જો કોઈ મહિલા તેના પતિ, લિવ-ઇન પાર્ટનર અથવા કોઈ સંબંધી દ્વારા ઘરેલુ હિંસાનો ભોગ બને છે, તો તે મહિલા અથવા તેના વતી કોઈપણ વ્યક્તિ ફરિયાદ નોંધાવી શકે છે.
સ્ત્રીધનનો અધિકાર
હિન્દુ ઉત્તરાધિકાર અધિનિયમ, 1956 ની કલમ 14 અને હિન્દુ લગ્ન અધિનિયમ 1955 ની કલમ 27 હેઠળ, સ્ત્રીને પોતાનું સ્ત્રીધન જાળવી રાખવાનો અધિકાર છે. જો કોઈ સ્ત્રી ઈચ્છે તો, તે પોતાની ઈચ્છા મુજબ કોઈને પણ પોતાનું સ્ત્રીધન આપી અથવા વેચી શકે છે. તેના પર ફક્ત તેનો જ અધિકાર છે. જો કોઈ વ્યક્તિ બળજબરીથી સ્ત્રીધન પોતાની પાસે રાખે છે તો સ્ત્રીને તે વ્યક્તિ સામે કાનૂની કાર્યવાહી કરવાનો સંપૂર્ણ અધિકાર છે.
કાર્યસ્થળ પર ઉત્પીડન સામે રક્ષણ
જો કોઈ મહિલાને તેની ઓફિસ કે કોઈપણ કાર્યસ્થળ પર શારીરિક કે માનસિક ત્રાસ આપવામાં આવે છે, તો તે મહિલા ત્રાસ આપનાર આરોપી સામે ફરિયાદ નોંધાવી શકે છે. આ કાયદા હેઠળ મહિલા 3 મહિનાના સમયગાળામાં શાખા કચેરીમાં ઇન્ટરનલ ફરિયાદ સમિતિ (ICC) ને લેખિત ફરિયાદ આપી શકે છે.
પૂર્વજોની મિલકતનો અધિકાર
પહેલા પૂર્વજોની મિલકત પર ફક્ત પુત્રોનો જ અધિકાર હતો. એવું માનવામાં આવતું હતું કે લગ્ન પછી સ્ત્રી તેના પતિની મિલકત સાથે જોડાઇ જાય છે અને તે મિલકત પર અધિકાર મેળવે છે. પણ હવે એવું નથી. હિન્દુ ઉત્તરાધિકાર કાયદા હેઠળના નવા નિયમોના આધારે હવે પુરુષ અને સ્ત્રી બંનેને પૂર્વજોની મિલકત પર સમાન અધિકાર આપવામાં આવ્યા છે.
માતૃત્વ સંબંધિત અધિકાર
આજના સમયમાં મોટાભાગની મહિલાઓ કામ કરતી હોય છે, આવી સ્થિતિમાં, કામ કરતી મહિલાઓને માતૃત્વ સંબંધિત કેટલાક અધિકારો આપવામાં આવ્યા છે. મેટરનિટી બેનિફિટ એક્ટ હેઠળ, ડિલિવરી પછી 6 મહિના સુધી નવી માતાના પગારમાં કોઈ કપાત થતી નથી, ત્યારબાદ તે ફરીથી કામ શરૂ કરી શકે છે.
હસ્તગત મિલકતનો અધિકાર
જો કોઈ મહિલાએ પોતે કોઈ મિલકત મેળવી હોય, તો તેને કાનૂની અધિકાર છે કે તે જ્યારે ઈચ્છે ત્યારે પોતાની મિલકત વેચી શકે છે અથવા જો ઈચ્છે તો તેને બીજા કોઈના નામે ટ્રાન્સફર કરી શકે છે. તેના નિર્ણયોમાં દખલ કરવાનો કોઈને અધિકાર નથી. જો સ્ત્રી ઇચ્છે તો, તે બાળકોને તે મિલકતમાંથી કાઢી પણ શકે છે.













