કેન્દ્રશાસિત પ્રદેશ દીવામાં એક યુવકની વિકૃત હરકત સામે આવી છે. દીવની ફ્લોટેલ લોર્ડ ક્રુઝમાં આ હરકત સામે આવી છે. ક્રુઝના લેડિઝ બાથરુમમાંથી કેમેરો મળતા ચકચાર મચી જવા પામી છે. લેડિઝ બાથરૂમમાં મોબાઈલ કેમેરાથી રેકોર્ડિંગ કરવામાં આવ્યું છે.


વિફરેલી મહિલાઓએ યુવાનને મેથીપાક ચખાડ્યો

દીવના વણાકબારાના એક યુવકે દીવના ફ્લોટેડ લોર્ડ ક્રુઝના બાથરૂમમાં મોબાઈલમાં કેમેરો ઓન કરીને વોશબેસિનમાં લગાડી મહિલાઓના રેકોર્ડિંગ કરવાનો કિસ્સો સામે આવ્યો છે. આ વાતની જાણ એક પર્યટકને થતાં દીવ બંદર જેટી પર હંગામો મચી ગયો હતો અને મહિલાઓ દ્વારા તે યુવાનને માર મારવા આવ્યો છે. જો કે સમગ્ર ઘટનાની જાણ પોલીસને થતાં મામલો શાંત પાડ્યો હતો અને આરોપીને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યો અને એફઆઈઆર કરવામાં આવી છે.

બે દિવસ પહેલા દીવમાં લૂંટની ઘટના બની હતી

દીવ ફરવા આવતા પર્યટકો માટે લાલબત્તી સમાન કિસ્સો બે દિવસ પહેલા સામે આવ્યો હતો. બે પર્યટકો ચાકુની અણીએ લૂંટાયા હતા. બોટાદ જિલ્લાના સ્વામીના ગઢડાથી બાઈક પર આવેલા બે પિતરાઈ ભાઇઓ દીવ ફરવા આવતા રાત્રીના સમયે લૂંટાયા હતા. રાત્રીના સમયે દીવમાં દિવાળી સીઝન હોવાથી રહેવા હોટેલ રૂમ નહીં મળતાં રૂમ આપવાના બહાને બંને યુવકોને અન્ય બાઈક પર આવેલા બે શખ્સોએ લૂંટ્યા હતા.

પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીને ઝડપ્યા

કેન્દ્ર શાસિત પ્રદેશ દીવની બહાર ઉના તાલુકાના નાળીયા માંડવી ગામના અવાવરું વિસ્તારમાં લઈ જઈ છરીની અણીએ બંને યુવકો પાસેથી ત્રણ મોબાઇલ અને 11 હજાર રોકડની લૂંટ ચલાવી હતી. નવા બંદર મરીન પોલીસને જાણ થતાં રાત્રિના સમયે તપાસ આદરી હતી. સીસીટીવીના આધારે પોલીસે બે ઈસમોને ગણતરીની કલાકોમાં ઝડપી પાડીને ઉના મામલતદાર કચેરીએ ઓળખ પરેડ કરી ઉના કોર્ટમાં રજુ કરી ડોઠ દીવસના રિમાન્ડ મેળવ્યા હતા.

  • Follow us on: