જો તમે પણ ઘરની બહાર નીકળીને મિત્રો સાથે કિટલી પર કે ઓફિસની બહાર પેપર કપમાં ગરમ ચા અથવા કોફી પીવાની મજા માણો છો, તો આ સમાચાર તમારી આંખો ખોલી નાખશે. પ્લાસ્ટિકના કપથી બચવા માટે આપણે જેને સુરક્ષિત સમજી રહ્યા છીએ, તે પેપર કપ ખરેખર કેન્સર જેવી જીવલેણ બીમારીનું કારણ બની શકે છે. આ ગંભીર જોખમને જોતા ભોપાલ જિલ્લાના મુખ્ય તબીબી અને આરોગ્ય અધિકારી (CMHO) મનીષ શર્માએ એક હેલ્થ એડવાઈઝરી જાહેર કરીને લોકોને પેપર કપનો ઉપયોગ ન કરવાની કડક સલાહ આપી છે.
પેપર કપ કેમ બની રહ્યા છે ઝેર?
આપણને ઉપરથી કાગળ જેવા દેખાતા આ કપ અંદરથી વોટરપ્રૂફ બનાવવા માટે ખાસ કોટિંગ ધરાવે છે. આ કપમાંથી ચા કે કોફી લીક ન થાય તે માટે તેની અંદરની બાજુએ 'પોલીઇથિલિન પ્લાસ્ટિક'નું એક પાતળું પડ ચડાવવામાં આવે છે. જ્યારે આ કપમાં ઉકળતી ચા કે ગરમ કોફી નાખવામાં આવે છે, ત્યારે આ પ્લાસ્ટિકનું પડ પીગળવા લાગે છે અને તે અત્યંત ઝીણા 'માઈક્રોપ્લાસ્ટિક' કણોમાં ફેરવાઈને આપણા પેટમાં જાય છે.
IIT ખડગપુરનો ચોંકાવનારો ખુલાસો: 15 મિનિટમાં 25,000 કણો
IIT ખડગપુર દ્વારા કરવામાં આવેલા એક સંશોધનમાં સામે આવ્યું છે કે જો પેપર કપમાં માત્ર 15 મિનિટ સુધી પણ કોઈ ગરમ પ્રવાહી રાખવામાં આવે, તો તેમાં અંદાજે 20,000 થી 25,000 જેટલા માઈક્રોપ્લાસ્ટિકના કણો ભળી જાય છે.
નિષ્ણાતોના મતે, આ માઈક્રોપ્લાસ્ટિક કણો જ્યારે ઊંચા તાપમાને પીગળીને શરીરના સેલ્યુલર સ્તર (કોષો) સુધી પહોંચે છે, ત્યારે તે માણસના DNA સ્ટ્રક્ચરને પણ બદલી શકે છે. આ પ્રક્રિયા ભવિષ્યમાં કેન્સરનું મોટું કારણ બને છે. આ સિવાય તેનાથી ઈન્ફ્લેમેટરી બોવેલ ડિસીઝ (પેટના રોગો), હોર્મોનલ અસંતુલન અને ઇમ્યુનિટી (રોગપ્રતિકારક શક્તિ) નબળી પડવા જેવી ગંભીર સમસ્યાઓ થઈ શકે છે.
શું છે હેલ્ધી અને બેસ્ટ વિકલ્પ?
તમારા અને તમારા પરિવારના સ્વાસ્થ્યને સુરક્ષિત રાખવા માટે પેપર કે પ્લાસ્ટિકના કપનો મોહ છોડવો જ હિતાવહ છે. ભોપાલ CMHO ની એડવાઈઝરી મુજબ નીચેના વિકલ્પો અપનાવવા જોઈએ:
માટીના કુલ્હડ: જો બહાર ચા પી રહ્યા હોવ તો માટીના કુલ્હડ (માટીના કપ) સૌથી શ્રેષ્ઠ અને કુદરતી વિકલ્પ છે.
સ્ટેનલેસ સ્ટીલ અથવા સિરામિક કપ: ઘર કે ઓફિસમાં કાચ, સિરામિક (ચીની માટી) અથવા સ્ટીલના કપનો જ આગ્રહ રાખો.
સ્વાસ્થ્ય એ જ સાચી મૂડી છે, તેથી આજે જ પેપર કપમાં ગરમ વસ્તુઓ પીવાની આદતને કાયમ માટે બાય-બાય કહી દો.
આ પણ વાંચો:Health Tips:બહારના ખાવાએ બગાડી તબિયત,પછી હરિયાણાની પૂજાએ માત્ર 15 દિવસ રોજ ખાધું દહીં...અને બદલાઈ ગઈ જિંદગી!
(Disclaimer: આ માહિતી વાચકોને વધારે વિગતો પુરી પાડવા માટે છે અને આ સંદર્ભમાં વધારે જાણકારી મેળવવા માટે આપ તજજ્ઞોનો સંપર્ક સાધી શકશો.