આજના સમયમાં ફાસ્ટ ફૂડ અને બહારનું ખાવાનું જાણે એક ટ્રેન્ડ બની ગયું છે, પરંતુ આ આદત લાંબે ગાળે શરીરને ખોખલું કરી નાખે છે. આવું જ કંઈક હરિયાણાની રહેવાસી પૂજા સાથે થયું. પૂજાને બહારનું ખાવાનું એટલું ગમતું હતું કે દિવસમાં એકવાર બહારનું ન ખાય ત્યાં સુધી તેને સંતોષ નહોતો થતો. પરિણામે, તેને પેટની ગંભીર સમસ્યાઓ થવા લાગી. જોકે, પૂજાએ ડાયેટમાં માત્ર એક નાનો બદલાવ કર્યો અને માત્ર 15 જ દિવસમાં તેની હેલ્થમાં ગજબનો સુધારો જોવા મળ્યો. આ જાદુઈ વસ્તુ બીજું કંઈ નહીં પણ આપણું દેશી 'દહીં' છે.


એક દિવસના દુખાવાએ વિચારવા મજબૂર કરી

પૂજાએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું કે, એક દિવસ બહારનું ખાધા પછી તેને પેટમાં અસહ્ય દુખાવો, એસિડિટી અને અપચાની ભારે તકલીફ થઈ. આ ઘટનાએ તેને અંદરથી હચમચાવી દીધી. તેણે નક્કી કર્યું કે હવે સ્વાસ્થ્ય સાથે સમાધાન નહીં થાય. પૂજાએ પોતાની થાળીમાં દરરોજ નિયમિત રીતે દહીંનો સમાવેશ કરવાનું શરૂ કર્યું.

દહીં કેમ છે સુપરફૂડ?

દહીંને આયુર્વેદ અને મોર્ડન સાયન્સ બંનેમાં સુપરફૂડ માનવામાં આવે છે. તે પ્રોટીન, કેલ્શિયમ, વિટામિન બી-કોમ્પ્લેક્સ, ફોસ્ફરસ, પોટેશિયમ અને મેગ્નેશિયમનો ઉત્તમ સ્ત્રોત છે. દહીં બનાવવામાં લેક્ટોબેસિલસ બુલ્ગારિકસ અને સ્ટ્રેપ્ટોકોકસ થર્મોફિલસ જેવા પ્રોબાયોટિક્સ (ગુડ બેક્ટેરિયા) મદદ કરે છે, જે દૂધના લેક્ટોઝને લેક્ટિક એસિડમાં ફેરવે છે.

15 દિવસમાં પૂજાના શરીરમાં શું બદલાવ આવ્યા?

પાચનમાં જબરદસ્ત સુધારો: પૂજાના જણાવ્યા અનુસાર, દહીં શરૂ કર્યાના થોડા જ દિવસોમાં તેનું પેટ સાફ રહેવા લાગ્યું અને શરીર હલકુંફુલ થઈ ગયું. દહીં પેટના હાનિકારક બેક્ટેરિયાનો નાશ કરે છે. નેશનલ લાઇબ્રેરી ઓફ મેડિસિન પણ માને છે કે રોજ દહીં ખાવાથી ગેસ્ટ્રોઇન્ટેસ્ટાઇનલ હેલ્થ સુધરે છે.

ઇમ્યુનિટી બૂસ્ટર: પૂજા પહેલાં નાની-મોટી બીમારીઓનો ભોગ બનતી હતી, પરંતુ દહીંમાં રહેલા મેગ્નેશિયમ, સેલેનિયમ અને ઝિંક જેવા પોષક તત્વોએ તેની રોગપ્રતિકારક શક્તિ મજબૂત કરી દીધી.

બ્લડ સુગર કંટ્રોલ: મોળું અને ઘરનું બનાવેલું દહીં રોજ ખાવાથી પૂજાનું શુગર લેવલ પણ પહેલા કરતાં વધુ નિયંત્રણમાં રહેવા લાગ્યું.

હાડકાં થયા મજબૂત: કેલ્શિયમથી ભરપૂર દહીંના કારણે પૂજાને શરીરમાં થતી નબળાઈ દૂર થઈ અને હાડકાંમાં મજબૂતીનો અહેસાસ થયો.

આ સિવાય સંશોધનો દર્શાવે છે કે દહીંમાં એન્ટી-કાર્સિનોજેનિક ગુણો હોય છે, જે શરીરને કોલોન, બ્લેડર અને બ્રેસ્ટ કેન્સરના જોખમથી પણ બચાવે છે. પૂજાની આ કહાની સાબિત કરે છે કે જો લાઈફસ્ટાઈલ ખોટી હોય, તો દવાઓ પાછળ ખર્ચ કરવાને બદલે દહીં જેવા સુપરફૂડને ડાયેટનો હિસ્સો બનાવવો જોઈએ.

આ પણ વાંચો:India News: ભારતમાં આ રાજ્યના લોકો પીવે છે સૌથી વધુ બિયર, આંકડા ચોંકાવી દેશે

  • Follow us on: