સ્વાસ્થ્ય માટે ગ્રીન ટી પીવી ખૂબ જ ફાયદાકારક છે. લોકો ઘણીવાર વજન ઘટાડવા, પાચન વધારવા અને ડિટોક્સ માટે ગ્રીન ટીને બેસ્ટ ઓપ્શન માને છે. તે એન્ટીઑકિસડન્ટથી ભરપૂર છે, જે સ્વાસ્થ્યને સુધારવામાં મદદરૂપ થાય છે. ગ્રીન ટી ફાયદાકારક છે અને તેના કારણે ઘણા લોકો દિવસભર ગ્રીન ટી પીતા રહે છે. સ્વાસ્થ્ય નિષ્ણાતોના મતે, મોટી માત્રામાં ગ્રીન ટી પીવી પણ હાનિકારક છે. આનાથી પેટથી લઈને ઊંઘ સુધીની ઘણી સમસ્યાઓ થઈ શકે છે.
નિષ્ણાતોનું શું કહેવું છે?
હેલ્થ એક્સપર્ટના મતે દિવસમાં 2 થી 3 કપ ગ્રીન ટી પીવી જોઈએ. જો તમે દરરોજ 4 કે તેથી વધુ કપ ગ્રીન ટી પીવાનું શરૂ કરો છો, તો તે શરીરમાં હાજર પોષક તત્વોને ઘટાડી શકે છે અને ઘણી આડઅસરો પેદા કરી શકે છે. ખાસ કરીને ખાલી પેટે ગ્રીન ટી પીવી સ્વાસ્થ્ય માટે હાનિકારક હોઈ શકે છે, કારણ કે તેનાથી ગેસ અને એસિડિટીની સમસ્યા થઈ શકે છે. ગ્રીન ટીમાં ટેનિન નામનું તત્વ જોવા મળે છે, જે શરીરમાં આયર્નનું શોષણ ઘટાડી શકે છે. જે લોકો પહેલાથી જ એનિમિયાથી પીડાઈ રહ્યા છે તેમણે વધુ પડતી ગ્રીન ટી ન પીવી જોઈએ. ખાધા પછી તરત જ ગ્રીન ટી ન પીવી જોઈએ.
વધું પડતી ગ્રીન ટી પીવાથી શું થાય?
ગ્રીન ટીમાં થોડી માત્રામાં કેફીન હોય છે, પરંતુ વધુ માત્રામાં ગ્રીન ટી પીવાથી ઊંઘની ગુણવત્તા બગડી શકે છે. દિવસમાં ઘણી વખત ગ્રીન ટી પીવાથી બેચેની, માથાનો દુખાવો જેવી સમસ્યાઓ થઈ શકે છે. રાત્રે ખાસ કરીને ગ્રીન ટી પીવાનું ટાળવું જોઈએ, નહીં તો ઊંઘ સંબંધિત સમસ્યાઓ થઈ શકે છે. આ ઉપરાંત વધુ પડતી ગ્રીન ટી પીવાથી કેટલાક લોકોમાં એસિડ રિફ્લક્સ, પેટમાં દુખાવો, ઉલટી અને ઉબકા જેવી સમસ્યાઓ થઈ શકે છે. જો ગ્રીન ટીમાં રહેલું કેટેચિન તત્વ વધુ માત્રામાં શરીરમાં પ્રવેશ કરે છે, તો તે લીવરને અસર કરી શકે છે. હંમેશા ગ્રીન ટી સંતુલિત માત્રામાં લેવી જોઈએ.
દિવસમાં કેટલા કપ ગ્રીન ટી પીવી જોઈએ?
સ્વાસ્થ્ય નિષ્ણાતો કહે છે કે ગ્રીન ટી એક સ્વસ્થ પીણું છે, પરંતુ તેનો અર્થ એ નથી કે તમે જેટલું વધુ પીશો તેટલું સારું રહેશે. દિવસમાં 2 થી 3 કપ તમે ગ્રીન ટી પીશો અને તેને સંતુલિત આહાર સાથે લો છો, તો તે શરીર માટે ફાયદાકારક છે. વધારે પડતી ગ્રીન ટી પીવાથી શરીરને નુકસાન થઈ શકે છે એટલા માટે જ તેના સેવનમાં સંયમ રાખવો જરૂરી છે અને જો કોઈને પહેલાથી જ કોઈ સ્વાસ્થ્ય સમસ્યા હોય, તો ડૉક્ટરની સલાહ લેવી શ્રેષ્ઠ રહેશે.
Disclaimer: આ માહિતી વાચકોને વધારે વિગતો પુરી પાડવા માટે છે અને આ સંદર્ભમાં વધારે જાણકારી મેળવવા માટે આપ તજજ્ઞોનો સંપર્ક સાધી શકશો.