શિયાળાની સીઝન શરૂ થતાં જ ગોળની મીઠી સુગંધ અને સ્વાદ ખાવાપીવામાં ખાસ સ્થાન મેળવી લે છે. તલ-ગોળની મીઠાઈ, ગોળવાળી ચા કે શિયાળામાં ગરમાગરમ ગોળનો ટુકડો – નામ સાંભળતા જ મોઢામાં પાણી આવી જાય છે. ગોળ માત્ર સ્વાદિષ્ટ જ નહીં પરંતુ તેમાં આયર્ન, મિનરલ્સ અને અનેક પોષક તત્ત્વો પણ ભરપૂર હોય છે.


ભલે ગોળ ખાંડ કરતાં ઓછી પ્રોસેસ્ડ હોય, છતાં તેમાં રહેલા સુગરનું પ્રમાણ વધારે હોય છે. ગોળ ખાધા પછી શરીરમાં ગ્લુકોઝ લેવલ ઝડપથી વધી શકે છે, જે ડાયાબિટીસના દર્દીઓ માટે જોખમી બની શકે છે. તેનો ગ્લાયકેમિક ઈન્ડેક્સ પણ ઊંચો હોય છે, એટલે કે તે બ્લડ સુગરને ત્વરિત વધારી શકે છે.

ગોળના પોષક તત્ત્વો અને ફાયદા

ગોળમાં આયર્ન, પોટેશિયમ, મેગ્નેશિયમ તથા વિટામિન જેવા પોષક તત્ત્વો મળે છે. તે પાચનક્રિયા સુધારે છે, લોહી શુદ્ધ કરે છે અને રોગપ્રતિકારક શક્તિ વધારે છે. શિયાળામાં તે શરીરને ગરમ રાખવામાં અને થાક ઘટાડવામાં મદદરૂપ થાય છે. તેમ છતાં, ડાયાબિટીસ ધરાવતા લોકો માટે તેનું મર્યાદિત માત્રામાં સેવન કરવું જરૂરી છે.

ડાયાબિટીસમાં ગોળ છે જોખમી?

જો બ્લડ સુગર લેવલ નિયંત્રણમાં ન હોય અને ગોળ નિયમિત રીતે લેવાય, તો સુગર ઝડપથી વધી શકે છે. આનાથી થાક, ચક્કર અને ડાયાબિટીસ સંબંધિત અન્ય સમસ્યાઓ ઊભી થઈ શકે છે. ખાસ કરીને ખાલી પેટે ગોળ લેવાથી સુગરમાં ત્વરિત વધારો થઈ શકે છે.

કેટલું લેવુ યોગ્ય?

વિશેષજ્ઞોનું કહેવું છે કે જો ડાયાબિટીસ કન્ટ્રોલમાં હોય અને ડૉક્ટરની સલાહ લીધી હોય, તો દિવસમાં અડધાથી એક નાનો ટુકડો ગોળ લઈ શકાય. તેને સીધું ખાવાની બદલે બાજરીના રોટલા સાથે કે ગરમ દૂધમાં ભેળવીને લેવું વધુ લાભદાયક છે.

ગોળના હેલ્ધી ઓપ્શન

મીઠાઈની ઈચ્છા થાય ત્યારે ગોળના બદલે ખજૂર અથવા સુગર-ફ્રી સ્વીટનર અપનાવી શકાય. મોસમી ફળો પણ મીઠાઈની ઈચ્છા સંતોષવામાં મદદ કરે છે અને બ્લડ સુગર પર ઓછી અસર કરે છે.

ભલે ગોળમાં અનેક આરોગ્યલાભ હોય, ડાયાબિટીસ ધરાવતા લોકોએ તેનો ઉપયોગ સમજદારીપૂર્વક અને ડૉક્ટરની સલાહ બાદ જ કરવો જોઈએ. યોગ્ય માત્રામાં અને યોગ્ય સમયે લેવાયેલ ગોળ સ્વાદ સાથે આરોગ્યની પણ કાળજી રાખે છે.

Disclaimer: આ માહિતી વાચકોને વધારે વિગતો પુરી પાડવા માટે છે અને આ સંદર્ભમાં વધારે જાણકારી મેળવવા માટે આપ તજજ્ઞોનો સંપર્ક સાધી શકશો.


  • Follow us on: