સાઉદી અરેબિયાની રાજધાની રિયાધમાં મેડિકલ સાયન્સનો એક અદભુત ચમત્કાર જોવા મળ્યો છે. અહીંની કિંગ અબ્દુલ્લા સ્પેશિયલાઇઝડ ચિલ્ડ્રન્સ હોસ્પિટલ (KASCH) માં જન્મથી જ એકબીજા સાથે જોડાયેલી ફિલિપિન્સની બે બાળકીઓને સફળ સર્જરી કરીને અલગ કરવામાં આવી છે. આ ઓપરેશન એટલું જટિલ હતું કે બાળકીઓનો જીવ જવાનું ભારે જોખમ હતું, પરંતુ 22 નિષ્ણાત ડૉક્ટરો અને સર્જનોની ટીમે સતત 6 કલાક સુધી ચાલેલી મેગા સર્જરી બાદ આ અશક્ય કામને શક્ય કરી બતાવ્યું છે. બાળકીઓ સુરક્ષિત રીતે અલગ થતાં જ તેની માતાના આંખમાંથી ખુશીના આસુ સરી પડ્યા હતા.
જન્મથી જ છાતી-પેટના ભાગેથી એકબીજા સાથે જોડાયેલી
અહેવાલો અનુસાર, આ બંને બાળકીઓ જન્મથી જ છાતી અને પેટના ભાગેથી એકબીજા સાથે જોડાયેલી હતી. સૌથી મોટો પડકાર એ હતો કે બંને બાળકીઓનું લિવર (યકૃત) એક જ હતું અને તેમના આંતરડાનો કેટલોક ભાગ પણ પરસ્પર જોડાયેલો હતો. આ સિવાય, બંનેમાંથી એક બાળકીને જન્મજાત હૃદયની ગંભીર બીમારી પણ હતી, જેના કારણે સર્જરી દરમિયાન જોખમનું પ્રમાણ બમણું થઈ ગયું હતું. આ મુશ્કેલ પરિસ્થિતિને પહોંચી વળવા માટે પહેલા અત્યાધુનિક ઇમેજિંગ ટેસ્ટ અને કમ્પ્યુટર મોડેલિંગની મદદ લેવામાં આવી હતી. સંપૂર્ણ આયોજન બાદ જ ઓપરેશન શરૂ કરાયું હતું.
સાઉદી કોન્જોઇન્ડ પ્રોગ્રામની 72મી સફળ સર્જરી
આ ઐતિહાસિક ઓપરેશનનું નેતૃત્વ 'સાઉદી કોન્જોઇન્ડ ટ્વિન્સ પ્રોગ્રામ'ના પ્રમુખ અને કિંગ સલમાન રિલીફ સેન્ટરના જાણીતા ડૉ. અબ્દુલ્લા અલ-રબીઆહ દ્વારા કરવામાં આવ્યું હતું. તેમની સાથે ડૉક્ટરો, નર્સો અને ટેકનિકલ નિષ્ણાતો સહિત 22 સભ્યોની ટીમ સતત ઓપરેશન થિયેટરમાં કાર્યરત રહી હતી. ડૉ. અલ-રબીઆહના જણાવ્યા મુજબ, મેડિકલ ઇતિહાસમાં આ એક મોટી સિદ્ધિ છે. આ પ્રોગ્રામ હેઠળ કરવામાં આવેલી આ 72મી સફળ સર્જરી છે. સાઉદી અરેબિયા છેલ્લા 35 વર્ષોમાં આવી 150 થી વધુ જટિલ સર્જરીઓ કરીને વિશ્વભરના અસંખ્ય માસૂમ બાળકોને નવજીવન આપી ચૂક્યું છે.
પરિવારે કિંગ સલમાનનો માન્યો આભાર
આ અત્યંત જટિલ અને જોખમી ઓપરેશન સફળ થતાં જ હોસ્પિટલમાં ખુશીનો માહોલ છવાઈ ગયો હતો. બાળકીઓના પરિવારે આ અદભુત તબીબી સારસંભાળ અને સમગ્ર ખર્ચ ઉઠાવવા બદલ સાઉદી અરેબિયાના કિંગ સલમાન અને ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાનનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે મેડિકલ ટીમના અથાણ પરિશ્રમને પણ બિરદાવ્યો હતો. હાલમાં બંને બાળકીઓની સ્થિતિ સ્થિર છે અને તેમને ઓબ્ઝર્વેશન હેઠળ રાખવામાં આવી છે.
આ પણ વાંચો:India-UK ડીલથી પાકિસ્તાન-બાંગ્લાદેશ હેરાન, બ્રિટિશની બજારોમાં છવાશે ભારતનો સામાન