- ઉત્તરકાશીમાં ટનલ રેસક્યુનુ કામ અંતિમ ચરણોમાં
- ટનલમાં ડ્રિલિંગ કરતુ ઓગર મશીન થયુ ખરાબ
- 39 મીટર સુધી નાંખવામાં આવી છે સ્ટીલની પાઇપ
ઉત્તરાખંડના ઉત્તર કાશીમાં 41 શ્રમિકોને બચાવવાની કામગીરી પુરજોશમાં ચાલી રહી છે. ગમે ત્યારે શ્રમિકોને લઇને સારા સમાચાર આવી શકે છે. પરંતુ હવે ઓગર મશીનથી જે ડ્રિલિંગ કરવામાં આવતુ હતું તે મશીન ખરાબ થઇ ગયુ હોવાનું સામે આવ્યુ છે. જો કે મશીનને રિપેર કરવા માટે દિલ્હીથી હેલિકોપ્ટર દ્વારા 7 નિષ્ણાંતોને બોલાવવામાં આવ્યા છે.
રેસક્યુ ઓપરેશનનો 12મો દિવસ
ઉત્તરકાશી ટનલમાં રાહત કાર્યનો આજે 12મો દિવસ છે. હવે ડ્રિલિંગ માટે માત્ર 6-8 મીટરની ત્રિજ્યા બાકી છે. પરંતુ ઓગર મશીનમાં કોઈ ખામી સર્જાતા તે બંધ થઈ ગયું છે. દિલ્હીથી 7 નિષ્ણાતો હેલિકોપ્ટર દ્વારા ઉત્તરકાશી પહોંચી રહ્યા છે. ઓગર મશીનમાં ખામી દૂર કરવા માટે હેલિકોપ્ટર દ્વારા બીજું મશીન લાવવામાં આવી રહ્યું છે.
દિલ્હીથી બોલાવ્યા નિષ્ણાંત
દિલ્હીથી કેટલાક ટેકનિકલ નિષ્ણાતોને બોલાવવામાં આવ્યા હતા જેઓ હેલિકોપ્ટર દ્વારા સિલ્ક્યારા ટનલ પહોંચશે. સિલ્ક્યારા ટનલમાં ફસાયેલા 41 કામદારોને બચાવવા માટે રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યું છે. અંદર ફસાયેલા કામદારો ટૂંક સમયમાં બહાર આવે તેવી આશા છે.
PMOના ભૂતપૂર્વ સલાહકાર પહોંચ્યા
ઉત્તરકાશી બચાવ રેસક્યુને લઇને પીએમઓના ભૂતપૂર્વ સલાહકાર, ભાસ્કર ખુલબે સિલ્ક્યારા ટનલ સાઇટ પર પહોંચ્યા છે. જ્યાં ફસાયેલા કામદારોને બહાર કાઢવા માટે બચાવ કામગીરી ચાલી રહી છે.
રેસક્યુ બાદનો પ્લાન તૈયાર
આ અંગે ઉત્તરકાશીના એસપી અર્પણ યદુવંશીએ જણાવ્યું કે રેસક્યુ પછીનો એક્શન પ્લાન તૈયાર છે. અમે પોલીસ એસ્કોર્ટ સાથે કામદારોને ગ્રીન કોરિડોરમાંથી લઈ જઈશું અને ખાતરી કરીશું કે તેમને શ્રેષ્ઠ સારવાર પૂરી પાડવામાં આવે. ચિન્યાલીસૌર અને પછી જરૂર પડ્યે ઋષિકેશ લઈ જવામાં આવશે
છ ઇંચ પાઇપ દ્વારા વસ્તુઓ પહોંચાડી
ટનલની અંદર ફસાયેલા કામદારોને વસ્તુઓ પહોંચાડવા માટે છ ઇંચ પહોળી પાઇપ નાખવામાં આવી હતી. છ ઇંચની 'લાઇફલાઇન' નાખવામાં આવે તે પહેલાં, ચાર ઇંચની પાઇપ દ્વારા કામદારોને ખોરાક, પાણી, દવાઓ અને ઓક્સિજનનો સપ્લાય કરવામાં આવતો હતો અને તેમના સંબંધીઓ અને બચાવ કાર્યકરો આ પાઇપ દ્વારા તેમની સાથે વાત કરતા હતા.
મજૂરો સાથે સતત સંપર્ક થઇ રહ્યો છે
આ પાઈપલાઈન દ્વારા સંદેશાવ્યવહારની સાથે ખાદ્ય ચીજવસ્તુઓ પણ મોટી માત્રામાં મોકલી શકાશે. સુરંગમાં ફસાયેલા કામદારોમાં સામેલ તેમના સંબંધી પ્રદીપ કિસ્કુની ખબર-અંતર પૂછવા બિહારના બાંકાથી સિલ્ક્યારા પહોંચેલી સુનીતા હેમબ્રમે કહ્યું કે મેં તેમની સાથે વાત કરી છે. તે ઠીક છે. નવા પાઇપ દ્વારા કામદારો સાથે વાતચીત કરવાનું સરળ બન્યું છે. પહેલા અમારે તેમને અમારો અવાજ સંભળાવવા માટે બૂમો પાડવી પડતી હતી, પરંતુ હવે તેમનો અવાજ સ્પષ્ટ હતો.