- કોટલા વિહાર ફેઝ-2ના ગ્રાઉન્ડમાં ક્રિકેટ રમતા યુવકનું વીજ કરંટ લાગવાથી મોત
- PCR વાન મારફતે હોસ્પિટલ લઈ જવાતા ડોક્ટરે કિશોરને મૃત જાહેર કર્યો
- પટેલનગરમાં લોખંડના ગેટમાંતી વીજ કરંટ લાગતા એક યુવકનું મોત નિપજ્યું હતું
દિલ્હીના રણહૌલા વિસ્તારમાં ક્રિકેટ ગ્રાઉન્ડમાં વીજ કરંટ લાગવાથી 13 વર્ષના કિશોરનું મોત નિપજ્યું હતું. કોટલા વિહાર ફેઝ-2ના ગ્રાઉન્ડમાં જ્યારે બોલ લેવા ગયો ત્યારે તેને લોખંડના વીજપોલથી કરંટ લાગ્યો હતો. કિશોરને તાત્કાલિક PCR વાન મારફતે દીનદયાલ ઉપાધ્યાય હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો, જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો.
વીજ કરંટ લાગતા 13 વર્ષીય કિશોરનું મોત
દિલ્હી પોલીસે જણાવ્યું હતું કે,10 ઓગસ્ટના રોજ લગભગ 1.30 વાગે PCRમાં કોલ આવ્યો હતો, ત્યારબાદ DDU હોસ્પિટલથી માહિતી મળી હતી. જણાવ્યું હતું કે, કોટલા વિહાર ફેઝ-2માં મેદાનમાં ક્રિકેટ રમી રહેલો 13 વર્ષીય કિશોર નજીકમાં આવેલ ગૌશાળામાં બોલ લેવા ગયો ત્યારે વીજપોલમાંથી કરંટ લાગ્યો હતો.
હોસ્પિટલમાં લઈ જવાતા ડોક્ટરે કિશોરને મૃત જાહેર કર્યો
પોલીસે જણાવ્યું કે, પીડિતને તાત્કાલિક PCR વાનમાં પંડિત દીનદયાલ ઉપાધ્યાય હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો, જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો. આ કેસમાં ભારતીય ન્યાયિક સંહિતાની કલમ 106 (1) હેઠળ FIR નોંધવામાં આવી છે અને તપાસ શરૂ કરવામાં આવી છે.
પટેલનગરમાં UPSCની તૈયારી કરી રહેલા એક યુવકનું વીજ કરંટથી મોત નિપજ્યું
ઉલ્લેખનીય છેકે, તાજેતરમાં દિલ્હીના સાઉથ પટેલનગર વિસ્તારમાં વરસાદ દરમિયાન PGની પાસે લોખંડના ગેટમાંથી વીજ કરંટ લાગવાથી UPSCની તૈયારી કરી રહેલા એક યુવકનું મોત થયું હતું. જેના કારણે ભારે હોબાળો થયો હતો. મૃતક યુવક યુપીના ગાઝીપુરનો રહેવાસી હતો. છેલ્લા ત્રણ વર્ષથી પટેલનગરમાં રહીને સિવિલ સર્વિસની તૈયારી કરી રહ્યો હતો.
લોકો મદદ માટે સ્થળ પર પહોંચ્યા ત્યાં સુધીમાં યુવકનું મોત
22 જુલાઇના રોજ ચા પીને PGમાં પરત ફરી રહ્યો હતો ત્યારે શેરીના ગેટની બહાર પાણી હતું અને ગેટમાં કરંટ હતો. જેના કારણે યુવકને કરંટ લાગ્યો હતો. જ્યારે નજીકમાં કપડા ઇસ્ત્રી કરતી મહિલાએ ચીસો સાંભળી ત્યારે તે સ્થળ પર દોડી ગઈ હતી. પ્રત્યક્ષદર્શી મહિલાએ જણાવ્યું કે, યુવક લાંબા સમય સુધી મદદ માટે બૂમો પાડતો રહ્યો, લોકો મદદ માટે સ્થળ પર પહોંચ્યા ત્યાં સુધીમાં ઘણું મોડું થઈ ચૂક્યું હતું. વીજ કરંટ લાગવાના ડરથી લોકોએ લાંબા સમય સુધી તેની નજીક જવાનું ટાળ્યું હતું અને યુવકનું મોત નિપજ્યું હતું.