કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા વિવિધ રાજ્યો અને કેન્દ્રીય સંસ્થાઓના 460થી વધુ પોલીસકર્મીઓને તેમની શ્રેષ્ઠ કામગીરી બદલ સન્માનિત કરવામાં આવ્યા હતા. ઉચ્ચ વ્યાવસાયિક ધોરણોને પ્રોત્સાહન આપવા માટે પોલીસ કર્મચારીઓને 2024 માટે ‘કેન્દ્રીય ગૃહમંત્રી દક્ષતા ચંદ્રક’ એનાયત કરવામાં આવ્યા છે.
કેન્દ્રમાં NDA સરકારમાં આવ્યા બાદ આ એવોર્ડની શરૂઆત કરાઈ
એક સત્તાવાર નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, આ પુરસ્કારો વિશેષ કામગીરી, તપાસ અને ફોરેન્સિક વિજ્ઞાનમાં અસાધારણ સેવા માટે આપવામાં આવે છે. કેન્દ્રમાં એનડીએ સરકાર બન્યા બાદ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ પર આ એવોર્ડની શરૂઆત કરવામાં આવી છે. ફેબ્રુઆરી 2024માં ગૃહ મંત્રાલય દ્વારા ‘કેન્દ્રીય ગૃહમંત્રી દક્ષતા ચંદ્રક’ની શરૂઆત કરવામાં આવી હતી.
આ એવોર્ડની જાહેરાત સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ દિવસે કરાઈ છે
આ એવોર્ડની જાહેરાત દર વર્ષે 31મી ઓક્ટોબર એટલે કે સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિના રોજ કરવામાં આવે છે. આ મેડલનો મુખ્ય ઉદ્દેશ્ય અધિકારીઓમાં સેવા ભાવનાને પ્રોત્સાહન આપવાનો છે.
463 કર્મીઓને મળ્યું સન્માન
તેમાં કહેવામાં આવ્યું છે કે, વર્ષ 2024 માટે કેન્દ્ર શાસિત પ્રદેશો અને રાજ્યો અને કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળોના કેન્દ્રીય પોલીસ સંગઠનો (CPOs)ના 463 કર્મચારીઓને મેડલ એનાયત કરવામાં આવ્યા છે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના માર્ગદર્શન હેઠળ શરૂ કરાયેલ 'કેન્દ્રીય ગૃહમંત્રી દક્ષતા ચંદ્રક' તમામ પોલીસકર્મીઓનું મનોબળ વધારશે.
ફોરેન્સિક સાયન્સ માટે તેમને મેડલ મળ્યા
ફોરેન્સિક સાયન્સના ક્ષેત્રમાં આ પુરસ્કારો મોહમ્મદ શાહબાઝ આલમ, ડૉ. પ્રવીણ યુ સંગનલામથ, શીજા એસ, ડો. સંગીતા વિજય ઘુમટકર, એચ. સંગચુંગનુંગા, ડો. રાજેશ સિંહ, સુરેશ નંદગોપાલ અને ડો. અજીતેશ પાલને આપવામાં આવ્યા હતા. જ્યારે વિશેષ કામગીરી માટે કુલ 348 લોકોને તેમની વિશેષ સેવા બદલ સન્માનિત કરવામાં આવ્યા છે.
પોલીસ અને સુરક્ષા દળોને પ્રોત્સાહિત કરવા
આ મેડલનો ઉદ્દેશ્ય પોલીસ અને સુરક્ષા દળોને પ્રોત્સાહિત કરવાનો અને ગુણવાન કર્મચારીઓનું સન્માન કરીને તેમનું મનોબળ વધારવાનો છે. સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ પર કેન્દ્ર સરકાર દ્વારા આ સન્માનની જાહેરાત કરવામાં આવી છે. નોંધનીય છે કે, સરદાર વલ્લભભાઈ પટેલને લોખંડી પુરુષ તરીકે ઓળખવામાં આવે છે. આઝાદી પછી તેમના નેતૃત્વ હેઠળ મૂળ રજવાડાઓ ભારતમાં જોડાયા હતા.