મુંબઈ એરપોર્ટ પર બે મુસાફરો પાસેથી રૂ. 7.69 કરોડની કિંમતનું 9.4 કિલો દાણચોરીનું સોનું જપ્ત કરવામાં આવ્યા બાદ તેની ધરપકડ કરવામાં આવી છે. આ સોનું કુવૈતથી દાણચોરી કરીને લાવવામાં આવ્યું હતું. ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઈન્ટેલિજન્સ (DRI)એ મુંબઈ એરપોર્ટ પર 7.69 કરોડ રૂપિયાની કિંમતનું 9.4 કિલોગ્રામ દાણચોરીનું સોનું જપ્ત કરીને બે મુસાફરોની ધરપકડ કરી છે. અધિકારીઓએ ગુરુવારે આ માહિતી આપી.


9.487 કિલોગ્રામ સોનાના ત્રણ પેકેટ જપ્ત

એક ચોક્કસ બાતમીના આધારે ડીઆરઆઈના કર્મચારીઓએ બુધવારે જયપુરથી મુંબઈની ફ્લાઈટમાં નકલી ઓળખ સાથે મુસાફરી કરતા બે મુસાફરોને અટકાવ્યા હતા. એક અધિકારીએ જણાવ્યું હતું કે, તેમના સામાનની તપાસ કરવા પર 9.487 કિલોગ્રામ સોનાના ત્રણ પેકેટ મળી આવ્યા હતા.

સોનું કુવૈતથી કરવામાં આવ્યું સ્મગલિંગ

અધિકારીએ કહ્યું કે, પૂછપરછમાં એવું બહાર આવ્યું છે કે આ સોનું કુવૈતથી સ્મગલિંગ કરવામાં આવ્યું હતું અને તેમણે તેને એક ઈન્ટરનેશનલ ફ્લાઈટમાંથી કબજે કર્યું હતું, જેમાં તેને છુપાવવામાં આવ્યું હતું.

કસ્ટમ્સ એક્ટની સંબંધિત કલમો હેઠળ 2 વ્યક્તિ સામે ગુનો નોંધાયો

અધિકારીએ કહ્યું કે, તપાસમાં એ પણ જાણવા મળ્યું છે કે બન્ને મુસાફરો નકલી ઓળખ સાથે મુસાફરી કરી રહ્યા હતા. અધિકારીએ કહ્યું કે, પૂછપરછ પછી બન્ને વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી હતી અને કસ્ટમ્સ એક્ટની સંબંધિત કલમો હેઠળ તેમની સામે કેસ નોંધવામાં આવ્યો હતો.

અગાઉ પણ કન્નુર એરપોર્ટ પર એર હોસ્ટેસ સોના સાથે ઝડપાઈ હતી

ઉલ્લેખનીય છે કે, એરપોર્ટ પર ઘણીવાર સોનાના દાણચોરો પકડાય છે, જે સુરક્ષાથી બચવા માટે અલગ-અલગ યુક્તિઓ અજમાવતા હોય છે. આ વર્ષે મે મહિનામાં કેરળના કન્નુર એરપોર્ટ પર એર ઈન્ડિયા એક્સપ્રેસની એર હોસ્ટેસ (કેબિન ક્રૂ) પાસેથી લગભગ એક કિલોગ્રામ સોનું મળી આવ્યું હતું. આ પછી પોલીસે તેને કસ્ટડીમાં લીધો હતો. એર હોસ્ટેસ કથિત રીતે આ સોનું તેના પ્રાઈવેટ પાર્ટ (રેક્ટમ)માં છુપાવીને મસ્કતથી લાવી રહી હતી. મળતી માહિતી અનુસાર આ પહેલા પણ ઘણી વખત આ રીતે સોનાની દાણચોરી કરી ચૂકી છે.

  • Follow us on: