દિલ્હીની સરકારી હોસ્પિટલોમાં PWD એન્જિનિયરો દ્વારા કથિત રીતે આચરવામાં આવેલા 200 કરોડ રૂપિયાના કૌભાંડમાં લેફ્ટનન્ટ ગવર્નરે મોટી કાર્યવાહી કરી છે. ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ-1988ની કલમ 17A હેઠળ કાર્યવાહી કરવા માટે મંજૂરી આપવામાં આવી છે. એન્ટી કરપ્શન બ્યુરો (ACB) આ મામલાની તપાસ કરશે. ACBને PWDના 5 એન્જિનિયરો સામે તપાસ કરવાની પરવાનગી મળી છે.


PWDના 5 એન્જિનિયરો 200 કરોડ રૂપિયાનું કૌભાંડ આચર્યું હતું

LG કાર્યાલયના સૂત્રોના જણાવ્યા અનુસાર PWD વિભાગે દિલ્હી સરકારના વિભાગોમાં 200 કરોડ રૂપિયાનું કૌભાંડ આચર્યું છે. આ કેસમાં 2 આસિસ્ટન્ટ એન્જિનિયર અને 3 જુનિયર એન્જિનિયરો સામે મોટી કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં AE સુભાષ ચંદ્ર દાસ, AE સુભાષ ચંદ, JE અભિનવ, JE રઘુરાજ સોલંકી અને JE રાજેશ અગ્રવાલ સામે FIR નોંધવામાં આવી હતી.

સરકારી તિજોરીને 200 કરોડનું નુકસાન થવાનો અંદાજ

આ કૌભાંડ દિલ્હીની હોસ્પિટલોના કામ સાથે સંબંધિત છે. સરકારી હોસ્પિટલોમાં ભ્રષ્ટાચારના કારણે સરકારી તિજોરીને અંદાજે 200 કરોડનું નુકસાન થયું છે. આરોપ છે કે, PWDના 5 એન્જિનિયરોએ દિલ્હી સરકારની ઘણી હોસ્પિટલોમાં ઈમરજન્સી કામોના નામે અનુકૂળ ટેન્ડર આપવામાં અલગ-અલગ કંપનીઓની મદદ કરી હતી.

સ્પોટ ક્વોટેશનમાં બનાવટી સહી અને હેરાફેરી

અત્યાર સુધીની તપાસમાં જાણવા મળ્યું છે કે, આ PWD અધિકારીઓએ નકલી બિલોના આધારે કંપનીઓ/કોન્ટ્રાક્ટરોને ચૂકવણી કરી હતી. PWD અધિકારીઓએ તેમની પસંદગીના કોન્ટ્રાક્ટરો/ફર્મને ફાયદો પહોંચાડવા માટે બનાવટી સહીઓ કરી અને સ્પોટ ક્વોટેશનમાં છેડછાડ કરી હતી. જેના કારણે સરકારી તિજોરીને લગભગ 200 કરોડ રૂપિયાનું નુકસાન થયું હતું.

શું છે 200 કરોડના કૌભાંડનો મામલો?

ભ્રષ્ટાચાર વિરોધી શાખા (ACB)એ કોરોના મહામારી દરમિયાન હોસ્પિટલોના નિર્માણના નામે રૂ. 200 કરોડના કૌભાંડમાં PWDના ભૂતપૂર્વ વરિષ્ઠ અધિકારી સહિત બે પેઢીના માલિકોની ધરપકડ કરી હતી. આ લોકોએ મળીને દિલ્હી સરકારની LNJP, GTB, BSA અને GB પંત જેવી 8 જાણીતી હોસ્પિટલોમાં બનાવટી બિલ બનાવીને કન્સ્ટ્રક્શન કોન્ટ્રાક્ટમાં રૂ. 200 કરોડનું કૌભાંડ આચર્યું હતું. એસીબીએ કેસ નોંધ્યા બાદ તપાસ હાથ ધરી હતી.

  • Follow us on: