મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદે સોમવારે કોપરી-પચપાખડી બેઠક પરથી ઉમેદવારી નોંધાવી છે. આ દરમિયાન સીએમ શિંદેએ રોડ શો દ્વારા પોતાની તાકાત બતાવી હતી. સીએમ શિંદેના નોમિનેશનમાં કેન્દ્રીય મંત્રી રામદાસ આઠવલે પણ હાજર હતા. નોમિનેશન પહેલા સીએમ શિંદેએ તેમના સ્વર્ગસ્થ રાજકીય ગુરુ આનંદ દિઘેને શ્રદ્ધાંજલિ આપી હતી. નોંધનીય છે કે શિંદેનો મુકાબલો શિવસેના (યુબીટી)ના ઉમેદવાર કેદાર દિઘે સાથે થશે, જે આનંદ દિઘેના ભત્રીજો છે.
સીએમ શિંદેએ રોડ શો દ્વારા તાકાત બતાવી
નામાંકન માટે ઘરથી નિકળતા પહેલા શિંદેએ સ્વર્ગસ્થ દિઘેને શ્રદ્ધાંજલિ આપી અને આનંદ આશ્રમમાં આરતી કરી હતી. મુખ્યમંત્રી શિંદે રથના રૂપમાં તૈયાર કરાયેલા વાહનમાં સવાર થયા હતા. CM શિંદેના રોડ શોમાં સેંકડો સમર્થકોએ તેમના હાથમાં શિવસેનાના ઝંડા અને મુખ્યમંત્રીના મોટા પોસ્ટર લઈને જોડાયા હતા. શિંદેનો રોડ શો મોડેલા ચેક નાકા ખાતેના દત્ત મંદિરથી શરૂ થયો હતો અને થાણેના મુખ્ય માર્ગો પરથી પસાર થયો હતો. આ રોડ શો આઈટીઆઈ સેન્ટર પહોંચ્યો ત્યાં સુધી લગભગ બે કલાક ચાલ્યો હતો. શિંદેએ ITI કેન્દ્ર ખાતે બપોરે 1.30 વાગ્યા પછી ઉમેદવારી પત્ર ભર્યું. મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી માટે ઉમેદવારી પત્ર ભરવાની અંતિમ તારીખ મંગળવારે પૂરી થઈ રહી છે.
શિંદેએ જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો
ઉમેદવારી પત્ર ભરતા પહેલા સીએમ શિંદેએ સંત એકનાથ મહારાજના વંશના યોગીરાજ મહારાજ ગોસ્વામીના આશીર્વાદ લીધા હતા. લીલા અને ભગવા રંગના દુપટ્ટાથી શણગારેલા શિંદેના રથમાં શિવસેનાના સ્થાપક બાળ ઠાકરે, વડાપ્રધાન મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને આનંદ દિઘેની તસવીરો હતી. શિંદેએ જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો અને મહાયુતિ અને MVA વચ્ચેની ચૂંટણીની હરીફાઈને વિકાસ અને બિન-વિકાસ વચ્ચેની મહત્વપૂર્ણ પસંદગી ગણાવી.
આ વિકાસ વિરુદ્ધ વિનાશની લડાઈ છે: CM શિંદે
મીડિયા સાથે વાત કરતાં શિંદેએ કહ્યું કે, 'આ વિકાસ અને વિનાશ વચ્ચેની લડાઈ છે.' તેમણે છેલ્લા અઢી વર્ષમાં રાજ્ય સરકાર દ્વારા કરાયેલા વિકાસના કામોને ગણાવ્યા હતા. શિંદે 2009થી શિવસેના (અવિભાજિત) ઉમેદવાર તરીકે કોપરી-પચપાખાડી મતવિસ્તારમાં અપરાજિત છે.
બીજેપીએ ત્રીજી યાદી કરી જાહેર
મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણીને લઇને હજી એમવીએ અને કોંગ્રેસમાં અમુક બેઠકોને લઇને પેચ ફસાયો છે. તેવામાં બીજેપી દ્વારા તો એક બાદ ઉમેદવારોની જાહેરાત કરી દેવામાં આવે છે. ત્યારે હાલમાં બીજેપીએ ઉમેદવારોની ત્રીજી યાદી જાહેર કરી છે. જેમાં 25 ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી છે.