ભારત દ્વારા પાકિસ્તાન વિરુદ્ધ કરવામાં આવેલા 'ઓપરેશન સિંદૂર' બાદ બોર્ડર પર તણાવ વધી ગયો છે. પાકિસ્તાન તેની બોર્ડર પરથી સતત ગોળીબાર કરી રહ્યું છે. ભારત પાકિસ્તાનની સંભવિત કાર્યવાહી અંગે ખૂબ જ સતર્ક છે અને આ માટે દેશભરમાં મોક ડ્રીલ અને બ્લેકઆઉટ રિહર્સલ કરવામાં આવી રહ્યા છે. ખાસ કરીને પાકિસ્તાનને અડીને આવેલા સરહદી રાજ્યોમાં સાવચેતીના પગલા તરીકે પંજાબમાં ઘણી જગ્યાએ મોક ડ્રીલ અને બ્લેકઆઉટ રિહર્સલ કરવામાં આવ્યા છે.


અમૃતસર એરપોર્ટ કરાયું બંધ

પંજાબના અમૃતસરમાં મોડી રાત્રે ફરીથી બ્લેકઆઉટની પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી. સમગ્ર શહેરનો વીજળી પુરવઠો ખોરવાઈ ગયો હતો. ત્યારે અમૃતસરના જિલ્લા જનસંપર્ક અધિકારીએ એક સંદેશ જાહેર કરીને લોકોને કહ્યું કે ગભરાવવાની કોઈ જરૂર નથી. વહીવટીતંત્રે ફરીથી બ્લેકઆઉટ લાદી દીધું છે. તેમણે લોકોને ઘરની બહાર ન નીકળવાની અને ક્યાંય પણ ભેગા ન થવાની અપીલ કરી અને ઘરની લાઈટ અને મોબાઈલ ફોન પણ બંધ રાખવા માટે કહ્યું. સુરક્ષાના પગલા તરીકે અમૃતસર એરપોર્ટને પણ આગામી સુચના ના મળે ત્યાં સુધી બંધ કરી દેવામાં આવ્યું છે.


લોકોને ઘરમાં જ રહેવા કરાઈ અપીલ

દેશના અનેક શહેરોમાં યોજાઈ રહેલી મોક ડ્રીલના ભાગ રૂપે અમૃતસરમાં લાઈટો બંધ કર્યાના થોડા સમય પછી જિલ્લા વહીવટીતંત્રે ગુરુવારે સવારે ફરીથી બ્લેકઆઉટ લાગુ કરી દીધું છે. તેમજ સામાન્ય લોકોને ઘરની અંદર રહેવા અપીલ કરી છે. આ મોકડ્રીલ બપોરે લગભગ 1.30 વાગ્યે શરૂ થઈ હતી. અગાઉ આ મોકડ્રીલ અમૃતસરમાં રાત્રે 10:30થી 11 વાગ્યા સુધી યોજાઈ હતી. પછી મોડી રાત્રે પણ બ્લેકઆઉટ કરાયું હતું. પંજાબમાં ફક્ત અમૃતસરમાં જ નહીં, પરંતુ રાજ્યના અન્ય ઘણા જિલ્લાઓમાં પણ મોક ડ્રીલ અને બ્લેકઆઉટ રિહર્સલ યોજવામાં આવ્યા હતા. મોક ડ્રીલ દ્વારા, લોકોને ઈમરજન્સીની સ્થિતિમાં પોતાને કેવી રીતે તૈયાર રાખવું તે સમજાવવામાં આવ્યું છે. રાજ્યના લુધિયાણા, ફિરોઝપુર, ગુરદાસપુર, ભટિંડા, હોશિયારપુર, પટિયાલા, પટિયાલા, બરનાલા અને મોહાલીમાં મોકડ્રીલ યોજાઈ હતી.

હવાઈ હુમલાની ચેતવણી આપતા સાયરન વગાડવામાં આવ્યા

બ્લેકઆઉટ રિહર્સલ દરમિયાન, આ સ્થળોએ હવાઈ હુમલાની ચેતવણી આપતા સાયરન વગાડવામાં આવ્યા હતા. મોહાલી અને ચંદીગઢમાં પણ સાંજે 7.30 વાગ્યાથી 10 મિનિટ માટે વીજળી બંધ કરવામાં આવી હતી. જ્યારે સંગરુરમાં રાત્રે 8.30થી 8.40 વાગ્યા સુધી, લુધિયાણામાં રાત્રે 8થી 8.30 વાગ્યા સુધી અને ફિરોઝપુરમાં રાત્રે 9 થી 9.30 વાગ્યા સુધી મોકડ્રીલ યોજાઈ હતી. જોકે અધિકારીઓએ જણાવ્યું હતું કે બ્લેકઆઉટ રિહર્સલ દરમિયાન, શહેરોના બજારો અને મોલમાં વીજળી કાપી નાખવામાં આવી હતી, પરંતુ હોસ્પિટલો અને તબીબી સંસ્થાઓમાં આવો કોઈ કાપ મૂકવામાં આવ્યો ન હતો. 

  • Follow us on: