દ્વારકાથી દેશને શ્રદ્ધા અને શક્તિનો સંદેશ આપતા પીઠાધીશ્વર સ્વામી સદાનંદ સરસ્વતી મહારાજે 'ઓપરેશન સિંદૂર'ના વખાણ કરતાં જણાવ્યું કે આજે વિપક્ષ અને તમામ નાગરિકોએ ભારત સરકારની અને વિશેષ કરીને આપણા શૂરવીર જવાનોની સાથે દૃઢતાથી ઉભા છે. પહલગામમાં જે નરસંહાર પાકિસ્તાની આતંકીઓએ કરાવ્યો, જો પાકિસ્તાને એ આતંકવાદીઓને ભારતને સોંપી દીધા હોત તો આ વિધ્વંસ જોવો ન પડ્યો હોત.
આતંકવાદનો સહારો લઈને શાંતિની પ્રાપ્તિ ના થાય
વધુમાં પીઠાધીશ્વર સ્વામી સદાનંદ સરસ્વતી મહારાજે કહ્યું કે હવે વિશ્વ માટે સ્પષ્ટ સંદેશ છે- પાકિસ્તાન આતંકવાદનો અડ્ડો છે. પાકિસ્તાને સબક શીખવો જોઈએ કે શાંતિ રાખવી જરૂરી છે, આંતકવાદનો સહારો લઈને શાંતિની પ્રાપ્તિ ના થાય, તમે બળવાન છો તો સામે બીજા તમારાથી અતિ બળવાન છે અને આ કાર્યવાહી માટે અમે સરકારનો ખુબ ખુબ આભાર માનીએ છીએ.
અનેક આતંકીઓના કેમ્પ જવાનોએ ઉડાવ્યા
ભારતે 'ઓપરેશન સિંદૂર' દ્વારા પહેલગામ આતંકવાદી હુમલાનો બદલો લીધો છે. આ ઓપરેશન મોડી રાત્રે 1 વાગ્યે શરૂ થયું હતું અને માત્ર 25 મિનિટમાં જ પૂર્ણ થઈ ગયું હતું, પરંતુ આજે બુધવારે દિવસભર ભારત અને પાકિસ્તાનમાં સતત હંગામો મચ્યો છે. આ સફળ ઓપરેશન પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પરિસ્થિતિનો તાગ મેળવવા માટે પહેલા તેમના ટોચના મંત્રીઓ અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર સાથે બેઠક યોજી અને ત્યારબાદ તેઓ રાષ્ટ્રપતિને મળવા ગયા અને સમગ્ર ઓપરેશન વિશે વિગતવાર માહિતી આપી છે. ત્યારે ભારતીય જવાનોએ એર સ્ટ્રાઈક કરીને પાકિસ્તાનમાં રહેલા આતંકીઓના 9 કેમ્પ ઉડાવી દીધા છે અને જડબાતોડ જવાબ આપ્યો છે.