ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવભરી સ્થિતિ બાદ હવે સ્થિતિ સામાન્ય થઈ છે. ઓપરેશન સિંદૂર પછી બંધ કરાયેલી રિટ્રીટ સેરેમની ફરીથી શરૂ થવા જઈ રહી છે. 20 મે મંગળવારે સાંજે 6.30 વાગ્યે BSF જવાનો અને પાકિસ્તાની રેન્જર્સ વચ્ચે રિટ્રીટ સેરેમની યોજાશે. પંજાબના અમૃતસરમાં અટારી-વાઘા બોર્ડર અને ફિરોઝપુરમાં હુસૈનીવાલા બોર્ડર પર ફરી એકવાર રિટ્રીટ સેરેમની જોવા મળશે. 7 મેથી બંને સરહદો પર રિટ્રીટ સેરેમની બંધ કરી દેવામાં આવી હતી. લગભગ 2 અઠવાડિયા પછી તે ફરીથી શરૂ થઈ રહી છે.
20 મેથી શરૂ થશે રિટ્રીટ સેરેમની
ઉલ્લેખનીય છે કે ભારત અને પાકિસ્તાન વચ્ચેના તણાવને કારણે બંને દેશો વચ્ચેની રિટ્રીટ સેરેમની ઉપરાંત ફેન્સીંગ પરના દરવાજા પણ બંધ કરી દેવામાં આવ્યા હતા. ફિરોઝપુરના સરહદી વિસ્તારોમાં વાડના દરવાજા ખેડૂતો માટે ખોલવામાં આવ્યા છે, જેથી તેઓ વાડની પેલે પારની જમીનમાં ખેતી કરી શકે. બીએસએફ અધિકારીઓએ જણાવ્યું હતું કે બીએસએફ જવાનો અને પાકિસ્તાન રેન્જર્સ વચ્ચે રિટ્રીટ સેરેમની મંગળવારે સાંજે 6:30 વાગ્યે હુસૈનીવાલા સદ્દી અને અટારી વાઘા બોર્ડર પર શરૂ થશે.
ખેડૂતો હવે વાડ પાર કરીને જમીનમાં ખેતી કરી શકશે
હવે સામાન્ય જનતા પણ સમારોહ જોવા માટે આવી શકશે. આ ઉપરાંત સરહદ પર વાડના દરવાજા બંધ કરી દેવામાં આવ્યા હતા અને ખેડૂતોને વાડ તરફ જવાથી પણ રોકવામાં આવ્યા હતા. હવે બંને દેશો વચ્ચે પરિસ્થિતિ સામાન્ય થઈ ગઈ છે. ખેડૂતોને ખેતી કરવા માટે વાડના દરવાજા ખોલવામાં આવ્યા છે. બીએસએફ અધિકારીઓ કહે છે કે દુશ્મનોએ ખેતરોમાં ક્યાંય પણ લેન્ડમાઈન બિછાવી નથી તેની ખાતરી કરવા માટે તેઓએ પહેલા વાડની બહારની બધી જમીનની તપાસ કરી હતી. બધા ખેતરોની તપાસ કર્યા પછી આજે વાડના દરવાજા ખોલવામાં આવ્યા છે અને ખેડૂતો હવે વાડ પાર કરીને જમીનમાં ખેતી કરી શકશે. તણાવને કારણે BSFએ લગભગ 28 દિવસ સુધી ફેન્સીંગ ગેટ બંધ રાખ્યા હતા.
ક્યારથી થઈ શરૂઆત?
તમને જણાવી દઈએ કે વાઘા બોર્ડર પર બીટિંગ રિટ્રીટની શરૂઆત 1959થી શરૂ થઈ છે. આ સેરેમની દરરોજ સૂર્યાસ્ત પહેલા થાય છે અને તેમાં ભારતના BSF જવાન અને પાકિસ્તાનના રેન્જર્સ બંને સામેલ થાય છે. બંને દેશના સૈનિક એક સાથે પરેડ કરે છે.