પહેલગામમાં પ્રવાસીઓ પર થયેલા ઘાતક આતંકવાદી હુમલામાં 28 લોકોના મોત થયા બાદ ભારતે પાકિસ્તાનને લઈને મહત્વના નિર્ણયો લીધા. જેમાં અમૃતસરથી 28 કિમી દૂર અટારી ખાતેની ચેક પોસ્ટ તાત્કાલિક અસરથી બંધ કરવાની જાહેરાત કરી. અટારી ચેક પોસ્ટ બંધ કરવાના ભારતના નિર્ણયથી પાકિસ્તાનને મોટો આર્થિક ફટકો પડશે. આ નિર્ણય સુરક્ષા અંગેની કેબિનેટ સમિતિ દ્વારા લેવામાં આવ્યો હતો અને બુધવારે વિદેશ સચિવ વિક્રમ મિસ્ત્રીએ આ મામલે સત્તાવાર જાહેરાત કરી હતી.


અટારી ચેક પોસ્ટ બંધ થતા પાકિસ્તાન પર આર્થિક સંકટ

મહત્વનું છે કે અમૃતસરથી દૂર અટારી ચેક પોસ્ટ ભારત અને પાકિસ્તાન વચ્ચે વેપાર વિનિયમ કરવાનો એકમાત્ર માન્ય જમીન માર્ગ છે. અટારી ચેક પોસ્ટ પરથી ભારતમાંથી ચિકન ફીડ, શાકભાજી, લાલ મરચાં, પ્લાસ્ટિક દાણા અને પ્લાસ્ટિક યાર્ન સહિતની વસ્તુઓની નિકાસ કરવામાં આવે છે. ભારતના મસાલાની પણ પાકિસ્તાનમાં વધુ માગ હોય છે. ખાસ કરીને પાકિસ્તાનના લોકો ભારતના સિઝનલ શાકભાજી અને મરચાંનો વધુ ઉપયોગ કરતા હોય છે. તેમજ પાકિસ્તાનમાં કેટલીક વસ્તુઓની બનાવટમાં ભારતના પ્લાસ્ટિક યાર્નનો ઉપયોગ કરવામાં આવે છે. અટારી ચેક પોસ્ટ બંધ કરવાના નિર્ણયથી ભારતમાંથી નિકાસ થતી આ વસ્તુઓની પાકિસ્તાનમાં અછત સર્જાશે. પાકિસ્તાનના નાગરિકો પોતાના રોજિંદા વપરાશમાં ભારતની આ વસ્તુઓનો ઉપયોગ કરતા હોય છે અને હવે આ વસ્તુઓ ઉપલબ્ધ ના થતાં સંભવત પાકિસ્તાનના લોકોમાં તેમની સરકારના ભારતના પ્રત્યેના વલણને લઈને નારાજગી જોવા મળે. ભારતમાંથી આ વસ્તુઓની નિકાસ બંધ થતા નાગરિકો સહિત ખાસ કરીને નાના વેપારીઓ અને ઉત્પાદકોને અસર થશે. પાકિસ્તાનમાં જે લોકો આ વસ્તુઓના વેપાર પર નિર્ભર હશે તેમને આર્થિક ફટકો પડશે. 

પાકિસ્તાનની આ વસ્તુઓની આયાત

અટારી ચેક પોસ્ટ બંધ થવાથી પાકિસ્તાનને વધુ અસર થશે. જ્યારે ભારત પાકિસ્તાન અને તેની આસપાસના અન્ય દેશોમાંથી મોટાભાગે સૂકા ફળો, સૂકા ખજૂર, જીપ્સમ, સિમેન્ટ, કાચ, સિંધવ મીઠું અને વિવિધ ઔષધિઓની આયાત કરે છે. આ ચેક પોસ્ટ બંધ થવાથી ભારતમાં પણ આ વસ્તુઓની માગ પર નોંધપાત્ર અસર થવાની સંભાવના છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે છેલ્લા ઘણા સમયથી તણાવ વધી રહ્યો છે અને તેની અસર બંને દેશોના વેપારી સંબંધો પર થઈ રહી છે.  વર્ષ 2023-24માં, આ બંદર પરથી 6,871 માલવાહક વાહનો પસાર થયા હતા અને 71,563 લોકોએ આ માર્ગ પરથી મુસાફરી કરી હતી. આ સમયગાળા દરમિયાન, કુલ રૂ. 3,886.53 કરોડનો વેપાર થયો હતો.

કેબિનેટ સમિતિનો નિર્ણય

વિદેશ સચિવ વિક્રમ મિસ્ત્રીએ વધુમાં જણાવ્યું હતું કે અટારી ચેક પોસ્ટ બંધ કરવાનો નિર્ણય સુરક્ષા અંગેની કેબિનેટ સમિતિ દ્વારા લેવામાં આવ્યો છે. હાલમાં આ ચેક પોસ્ટના માર્ગથી વ્યવસાયના કામ અંગે જે લોકો માન્ય સમર્થન સાથે સરહદ પાર કરી ગયા છે તે તમામ 1 મે 2025 પહેલા આ જ માર્ગે પાછા ફરી શકે છે.  અટારી ચેક પોસ્ટનો માર્ગ ફક્ત મર્યાદિત સમય માટે પરત ફરનારાઓ માટે ખુલ્લો રહેશે. અટારી ચેક પોસ્ટ ભારત અને પાકિસ્તાન વચ્ચે એક મહત્વપૂર્ણ વેપાર માર્ગ તરીકે સેવા આપે છે, જે વિવિધ માલસામાનનું સંચાલન કરે છે. આ માર્ગ બંધ થતા વેપાર વિનિમય પર અસર થશે.

  • Follow us on: