જમ્મુ-કાશ્મીરમાં પહેલગામમાં પ્રવાસીઓ પર આતંકવાદી હુમલા બાદ ભારતીય સેના એકશનમાં આવી છે. ગઈકાલે સુરક્ષાદળોએ સર્ચ ઓપરેશન હાથ ધરતા બે આતંકવાદીઓને ઠાર કર્યા હતા. આજે પણ ગુરુવારના રોજ જમ્મુ અને કાશ્મીરના ઉધમપુર જિલ્લામાં સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચેની અથડામણમાં એક સૈનિક શહીદ થયો હતો. સત્તાવાર સૂત્રોના જણાવ્યા અનુસાર, આજે ગુરુવારના રોજ ઉધમપુર જિલ્લાના ડુડુ-બસંતગઢ ક્ષેત્રમાં ગોળીબાર ચાલી રહ્યો છે.
અધિકારીએ આપી માહિતી
ભારતીય સેનાના અધિકારીઓના જણાવ્યા અનુસાર, ચોક્કસ ગુપ્ત માહિતીના આધારે આ કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. પ્રાથમિક માહિતી મુજબ આ વિસ્તારમાં ઓછામાં ઓછા બે આતંકવાદીઓ જોવા મળ્યા છે, એમ અધિકારીઓએ જણાવ્યું હતું. અધિકારીઓએ ઉમેર્યું હતું કે પડકારજનક ભૂગોળ અને ગાઢ જંગલમાં હુમલો કરવાની સંભાવનાને કારણે સુરક્ષા દળો સાવધાની સાથે આગળ વધી રહ્યા છે. અધિકારીએ જણાવ્યું કે બસંતગઢ વિસ્તારમાં ગાઢ જંગલ આવેલા છે અને આ વિસ્તાર ભારતીય સેનાના 9મા કોર્પ્સના અધિકારક્ષેત્રમાં આવે છે. ગાઢ જંગલો હોવાના કારણે આતંકવાદીઓ આ વિસ્તારમાં છૂપાઈ જાય છે. અને એટલે જ હાથ ધરાયેલ સર્ચ ઓપરેશનમાં આતંકવાદીઓ બસંતગઢમાં છુપાયો હોવાની માહિતી મળતા તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવી.
બસંતગઢમાં ગાઢ જંગલો
હાલમાં બસંતગઢમાં સુરક્ષા દળોએ આતંકીઓનો ઘેરાવા કરતા બંને વચ્ચે મુઠભેડ થઈ રહી છે. ગાઢ જંગલોથી ઢંકાયેલા ઊંચાઈવાળા પ્રદેશ એવા બસંતગઢમાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે અત્યારે અથડામણ થઈ રહી છે. બસંતગઢમાં અસંખ્ય કુદરતી ગુફાઓ અને છુપાયેલા સ્થળોથી ચિહ્નિત થયેલ છે, જેનો ઉપયોગ આતંકવાદીઓ સુરક્ષા દળોથી બચવા માટે ઘણીવાર કરે છે. પહેલગામ આતંકવાદી હુમલાના બે દિવસ પછી તાજેતરની એન્કાઉન્ટરની જાણ કરવામાં આવી હતી, જેમાં 26 લોકો માર્યા ગયા હતા, જેમાં મોટાભાગના પ્રવાસીઓ હતા.
સુરક્ષાદળોનું સર્ચ ઓપરેશન
બુધવારે જમ્મુ અને કાશ્મીરના કુલગામ જિલ્લામાં આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે ગોળીબાર થયો હતો. અધિકારીઓના જણાવ્યા મુજબ, કુલગામ જિલ્લાના તંગમાર્ગ વિસ્તારમાં આતંકવાદીઓની હાજરીની માહિતી મળ્યા બાદ સુરક્ષા દળોએ ત્યાં ઘેરાબંધી અને શોધખોળ અભિયાન શરૂ કર્યું હતું. આતંકવાદીઓએ સુરક્ષા કર્મચારીઓ પર ગોળીબાર કર્યા બાદ આ એન્કાઉન્ટર શરૂ થયું હતું, એમ તેમણે ઉમેર્યું.
પહેલગામ આતંકવાદી હુમલો
22 એપ્રિલના રોજ થયેલા પહેલગામ આતંકવાદી હુમલામાં 26 લોકો માર્યા ગયા હતા, જેમાં મોટાભાગના પ્રવાસીઓ ઘાયલ થયા હતા. 2019માં કલમ 370 રદ થયા પછીનો આ સૌથી મોટો આતંકવાદી હુમલો હતો. જોકે, સરકારે હજુ સુધી પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં થયેલા જાનહાનિની સંખ્યાની સત્તાવાર પુષ્ટિ કરી નથી. આતંકવાદી હુમલા બાદ, સુરક્ષા દળોએ જવાબદાર આતંકવાદીઓને શોધવા માટે સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. હુમલા બાદ સુરક્ષા વધારી દેવામાં આવી છે, જેમાં વિસ્તારમાંથી મળેલા દ્રશ્યોમાં સામાન્ય રીતે ધમધમતા પ્રવાસી વિસ્તારમાં શેરીઓ ખાલી દેખાઈ રહી છે. હુમલા બાદ ઘણા સંગઠનોએ જમ્મુ બંધનું પણ એલાન આપ્યું છે.